મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના રાજનગર ચોક તેમજ મવડી પાસે ગત તારીખ 14 ના રોજ કોઈપણ મંજૂરી વિના મુકાયેલી આંબેડકરની પ્રતિમા ગાયબ થતા દલિત સમાજ રોષે ભરાયો છે. ત્યારે આ પ્રતિમા મનપા તંત્ર દ્વારા જ ખસેડવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પ્રતિમાઓ કોઈપણ પ્રકારની મંજૂરી વિના મુકાઇ હોવાથી તંત્ર દ્વારા તેને ખસેડી લેવામાં આવી હતી. જો કે આ મુદ્દે દલિતો દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેમજ પ્રતિમાઓનું ફરીથી સ્થાપન ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બંને સર્કલોને જનભાગીદારીથી ડેવલોપ કરાયા હતા. જ્યાં કાયદેસર રીતે આવી કોઇપણ પ્રતિમા મુકવા માટે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરવો જરૂરી છે. પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈપણ મંજૂરી કે જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરાયા વિના આ પ્રતિમાઓ મૂકી દેવામાં આવી હતી. આ પ્રતિમાઓ દૂર કરવા માટે તંત્ર સમક્ષ અરજીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી.

આ પ્રતિમાઓ ગઇકાલ સુધી યથાવત રહેતા મોડીરાત્રે કોર્પોરેશનનાં અધિકારીઓએ બે ટૂકડીઓ બનાવીને ફાયર બ્રીગેડ, પોલીસ, જગ્યા રોકાણ સહિતનાં અંદાજે 50 થી વધુ અધિકારીઓના કાફલા દ્વારા આ પ્રતિમાઓને દુર કરવામાં આવી હતી. તેમજ આ કામગીરીમાં સામેલ તમામ અધિકારીઓના મોબાઈલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી પણ બંધ રાખવામાં આવ્યા હોવાનું પણ વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. 

ડો. આંબેડકરની પ્રતિમા ખસેડી લેવાતા ભારે નારાજગી સાથે 500થી વધુ લોકો દ્વારા નાનામૌવા, મવડી ચોકડી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટાયરો સળગાવી ટ્રાફિકજામ કરીને દલિતો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તેમજ સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશનને સાંજે 5 વાગ્યા સુધીમાં આ મૂર્તિઓ પુનઃ સ્થાપન કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અને આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચરવામાં આવી છે. ત્યારે સાંજ સુધીમાં મનપા તંત્ર દ્વારા આ મામલે શું નિર્ણય કરવામાં આવશે તે જોવું રહ્યું.