મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: પડધરી ગામે સોમવારી બજારમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ બાળકીને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ જિલ્લા પોલીસ વડાએ બાળકીનો ફોટો અને પોલીસનો ફોન નંબર જાહેર કરીને આ બાળકીની શોધખોળમાં સાથ-સહકાર આપવાની અપીલ પણ કરી છે.

પડધરી નજીકના ન્યારા ગામની સીમમાં રહેતા પોપટભાઈ ડામોર પોતાની 2 વર્ષની દીકરી રમીલા સાથે પડધરીની સોમવારી બજારમાં ખરીદી કરવા આવ્યા હતા. તેઓ ખરીદી કરી રહ્યા હતા અને બાળકી બાજુમાં ઉભી હતી. દરમિયાન અજાણ્યો શખ્સ બાળકીને ઉઠાવીને રફુચક્કર થઈ ગયો હતો. બનાવ અંગે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા પડધરી પોલીસ મથક નંબર 02820 233193, મો. 9265017441 તેમજ પીએસઆઈ જે.વી. વાઢીયાના મો. 9601907067 તેમજ બાળકીનો ફોટો જાહેર કરી આરોપીને શોધવામાં લોકોને મદદરૂપ થવા અનુરોધ કરાયો છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ બાળકીની શોધખોળમાં જોડાયા છે.