મેરાન્યૂઝ નેટવર્ક, અમૃતસર: દશેરાના પ્રસંગે દેશભરમાં રાવણ દહન કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે પંજાબના અમૃતસરમાં ગોજારા ટ્રેન અકસ્માતની ઘટનામાં 61 લોકોના મોત થયા હતા. આ મૃતકોમાં એક વ્યક્તિ રામલીલામાં રાવણનું પાત્ર ભજવનાર પણ સામેલ છે.

આ દુર્ઘટના અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નંબર 27 પાસે ઘટી હતી. જે સમયે આ અકસ્માત થયો ત્યારે રાવણ દહન જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જેમાં આ શહેરમાં રામલીલામાં રાવણનું પાત્ર ભજવતો દલબીર સિંહ પણ હાજર હતો. પૂરપાટ ગતિથી જતી ટ્રેનની અડફેટમાં રાવણનું પાત્ર ભજવતો દલબીર સિંહ પણ આવી હતો અને તેનું મોત નિપજ્યું હતું. દલબીરના પરિવારમાં પત્ની, માતા અને માત્ર આઠ મહિનાની પુત્રી છે. દલબીરના પરિવારજનોએ પંજાબ સરકાર પાસે દલબીરની પત્નીને સરકારી નોકરી આપવામાં આવે તેવી માગણી કરી છે. પંજાબ સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

ગોજારા અકસ્માતને નજરે જોનારા લોકોએ કહ્યું કે ટ્રેન ખૂબ જ સ્પીડમાં હતી. આ અકસ્માત એટલો કંપાનવારો હતો કે લોકોના શરીરના ટુકડા થઇ ગયા હતા અને કોના શરીરના અંગો છે તે પણ ઓળખી શકાતા ન હતા.