મેરાન્યૂઝ નેટવર્ક,રાજકોટ: ઉપલેટાથી 30 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં ગત મોડીરાત્રે આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આગ શોટ સર્કિટના કારણે લાગી હતી. આ વિકરાળ આગમાં શિબિરમાં આવેલી ત્રણ જેટલી બાળાઓ ભડથું થઇ ગઇ હતી. તેમજ અન્ય 2 બાળાઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ ભયાનક આગમાં અન્ય 15થી વધુ બાળાઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અચાનક લાગેલી આગમાં શિબિરના 40થી વધુ ટેન્ટ બળી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિર શરૂ થઇ ત્યારથી જ આર્મીના જવાનો હાજર હતા. આગ લાગી તેની સાથે જ આર્મીના આ જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જવાનોએ આગમાં ફસાયેલી વિદ્યાર્થીનીઓને સલામત સ્થળે ખસેડવાની સાથે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ઉપરાંત ધોરાજી, ઉપલેટા અને પોરબંદરથી ફાયર ફાઈટરો બોલાવાયા હતા. આ કારણોસર જ આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવાતા વધુ જાનહાની થતાં અટકી હતી.

પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. આ વખતે 10 હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીનીઓ જે ટેન્ટમાં સૂતી હતી ત્યાં આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ગભરાટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. જોકે, આર્મીના જવાનોએ સૌ-પ્રથમ વિદ્યાર્થીનીઓને સલામત સ્થળે ખસેડી હતી. માત્ર એકાદ કલાક જેટલા ટૂંકા સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ પણ મોડી રાત્રિના પ્રાંસલા દોડી ગયા હતા. 

કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, આગ બુઝાવવા ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા છે. તેમજ આગના કારણે દાઝી ગયેલી વિદ્યાર્થીનીઓ સહિતના તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવા માટે 108 સહિત 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને તાકીદે નજીકના શહેરની હોસ્પિટલમાં પહોંચાડી ઝડપથી સારવાર શરૂ કરાવવામાં આવી છે. તેમજ અચાનક લાગેલી આગથી ડરી ગયેલી વિદ્યાર્થીનીઓનો ડર દૂર કરવા આર્મીના અધિકારીઓએ કાઉન્સેલિંગ કર્યું હતું.