મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ પ્રખ્યાત હસ્તીઓને દેશના સર્વેચ્ચ સન્માન ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત કરી છે. આ ત્રણ લોકો છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રખ્યાત સંગીતકાર ભુપેન હજારીકા અને આરએસએસ સાથે જોડાયેલા નેતા અને સમાજસેવક નાનાજી દેશમુખ. ભુપેન હજારીકા અને નાનાજી દેશમુખને મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે પ્રણવ દા હાલના સમયના ઉત્કૃષ્ટ રાજનેતા છે. તેમણે નિસ્વાર્થ ભાવ અને થાક્યા વિના દેશની સેવા કરી. તેમણે રાષ્ટ્રના વિકાસ પથ પર એક મજબૂત છાપ છોડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખર્જી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચુક્યા છે. યુપીએ-1 અને યુપીએ-2 સરકારમાં તેઓ મહત્વપૂર્ણ પદો પર રહ્યા. થોડા મહિના અગાઉ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ના કાર્યક્રમમાં તેઓ સામેલ થતા પણ રાજકારણ ગરમાયુ હતું.

મરણોપરાંત ભારત રત્ન અપાયો છે તેવા નાનાજી દેશમુખ ભારતીય જનસંઘ સાથે જોડાયેલા હતા. 1977માં જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ તેમણે મંત્રી પદ સ્વિકારી ન્હોતુ અને જીવનભર દીનદયાળ શોધ સંસ્થાન અંતર્ગત ચાલતા પ્રકલ્પોના વિસ્તાર માટે કાર્ય કરતા રહ્યા. અટલ બિહારી વાજપેયીની સરકારે નાનાજી દેશમુખને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. વાજયેપીના કાર્યકાળમાં તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગ્રામીણ સ્વાવલંબનનાં ક્ષેત્રમાં અનુકરણીય યોગદાન માટે પદ્મ વિભૂષણ પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.

જ્યારે ભૂપેન હજારીકા પૂર્વોત્તર રાજ્ય અસમના રહેવાસી હતા. પોતાની માતૃભાષા અસમિયા સહિત તેમણે  હિન્દી, બાંગ્લા સહિતના ભાષાઓમાં ગીત ગાયા હતા. તેમણે ફિલ્મ ‘ગાંધી ટુ હિટલર’ માં મહાત્મા ગાંધીના ગમતા ગીત ‘વૈષ્ણવ જન’ ગાયુ હતું. તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. દસ વર્ષની ઉંમરે તેમણે પોતાનું પ્રથમ ગીત ગાયુ હતું.