મેરાન્યૂઝ નેટવર્ક. પોરબંદરઃ પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સહિતના છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાના નિર્ણયને પગલે સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક કોન્સ્ટેબલ દ્વારા ભાજપ કાર્યકરને ખોટી રીતે માર મારવામાં આવ્યો હોય જેના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા  હેડ કોન્સ્ટેબલ જનકસિંહ બસિયાએ મંગળવારની મોડી રાત્રીના ભાજપના સીમ્બોલવાળી કારને રોકાવી હતી અને કાર ચાલકને ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા. આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને મેડીકલ તપાસ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નજર ચૂકવી અને નાશી ગયો હતો. આ ઘટનાને જીલ્લા પોલીસવડા શોભા ભુતડાએ ગંભીરતા પૂર્વક લઈ અને કમલાબાગ ડી સ્ટાફના પીએસઆઈ સહિતના પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્શનનું પાણીચુ પકડાવી દેવામાં આવ્યું છે અને ભાજપના કાર્યકરને માર મારવાના પડઘા પડ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ જનકસિંહ બસિયા, ડી સ્ટાફ પીએસઆઈ ખુંટી તેમજ અન્ય કર્મચારી સલીમભાઈ પઠાણ, ઉદયભાઈ હરૂ, યુવરાજસિંહ જાડેજા અને ભરતસિંહ સહિતનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો એક જ પોલીસમથકના પીએસઆઈ સહિતના છ  પોલીસ કર્મચારીઓના સસ્પેન્શનને પગલે સમગ્ર જીલ્લાના પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. અને આ અંગેની ચર્ચા પોલીસમાં જોવા મળી રહી છે.