મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: બારદાન ખરીદ કૌભાંડના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. જેને પગલે ક્રાઈમ બ્રાંચનો કાફલો દિલ્હીના સાકેતમાં આરોપી મહેશ તુલીની ધરપકડ કરવા પહોંચી હતી. પરંતુ મહેશ તુલીએ કોર્ટમાંથી વચગાળાની રાહત મેળવી લીધી હોવાથી પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. પોલીસ ગમે ત્યારે પોતાની ધરપકડ કરવાની હોવાં અંગેની જાણ થતાં જ તુલીએ પોતાના વકીલ મારફતે સાકેત કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. 

નામદાર કોર્ટે રાજકોટ ક્રાઈમ બ્રાંચના તપાસનીશ અધિકારીને હાજર થવા આદેશ કર્યો હતો. જેને લઈને ક્રાઈમ બ્રાંચ તમામ પુરાવાઓ સાથે સાકેત કોર્ટ પહોંચી હતી. તેમજ મહેશ તુલીએ આંગડિયા મારફતે રૂપિયા 50 લાખ લીધા હોવાની સાબિતી રજૂ કરી તુલીને પોલીસ સમક્ષ સરેન્ડર કરવા આદેશ આપવાની અપીલ પણ કરી હતી. સમાપક્ષે તુલીના વકીલોએ તેની ઉંમરને ધ્યાનમાં રાખી તેની સારવાર ખાનગી હોસ્પીટલમાં ચાલતી હોઈ 15 દિવસનો સમય આપવાની માંગ કરી હતી.

સાકેત કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી, તેમજ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ મહેશકુમાર તુલીને 15 દિવસમાં રાજકોટ પોલીસ સમક્ષ સરેન્ડર થવાની શરતે સારવાર માટે વચગાળાના જામીન મંજુર કર્યા હતા. આમ પોતાની 76 વર્ષની ઉંમરનો લાભ ઉઠાવી તુલી ફરી એકવાર પોલીસ સાથે રમત રમવામાં સફળ થયો છે. અને પોલીસે 15 દિવસની રાહ જોવાનું  ફરજીયાત બન્યું છે. જો કે ગુજકોટ પાસેથી મેળવેલા રૂપિયા 50 લાખ લઈ તુલી ફરાર થવાનો હતો કે ઈન્શ્યોરન્સ કરવાનો હતો તે એક તપાસનો વિષય છે.