હું પ્રશાંત દયાળ: ભાગ-47: હું વડોદરા દિવ્ય ભાસ્કરમાં જોડાઈ ગયો હતો પણ મને સમજાતુ હતું કે મને ફરી નોકરી આપવી પડી તે ભાસ્કરના મેનેજમેન્ટ અને તંત્રીને પસંદ પડ્યું ન્હોતુ. જેના કારણે તેમની મારી ઉપર બારીક નજર હતી. કઈ રીતે મને પરેશાન કરી શકાય તેનું પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ હતું. હું વડોદરા હતો તે દરમિયાન વડોદરમાં એન્ફોર્સમેન્ટ વિભાગે ક્રિકેટનું મોટુ સટ્ટા રેકેટ પકડ્યુ હતું. મારી પાસે જાણકારી હતી કે આ રેકેટમાં ગુજરાત પોલીસના અધિકારીઓ પણ સામેલ હતા. મેં આ અંગે સ્ટોરી લખી જેના કારણે ગુજરાતના તત્કાલીન ડીજીપી પી. સી. ઠાકુર નારાજ થયા હતા. તેમણે દિવ્ય ભાસ્કરને એક ખુલાસો મોકલ્યો કે આ સમાચાર ખોટા છે. આવું થવુ બહુ સામાન્ય છે કે કોઈ પણ અખબારની કચેરીમાં આ પ્રકારના ખુલાસા રોજ આવતા હોય છે પણ તેને કોઈ તંત્રી ગંભીરતાથી લેતા નથી. પરંતુ આ સ્ટોરી મારી હતી જેના કારણે સ્ટેટ એડિટર અવનીશ જૈન દ્વારા મને નોટીસ આપી આ બાબતની સ્પષ્ટતા માંગવામાં આવી હતી. વડોદરાના એડિટર સ્તવન દેસાઈ દ્વારા પણ મને સુચના આપવામાં આવી કે મારે આ અંગેના પુરાવા લઈ આવવા. એન્ફોર્સમેન્ટ વિભાગની ઓફિસ અમદાવાદમાં આવી હતી. આ પુરાવા લેવા માટે હું અમદાવાદ આવ્યો હતો. જો કે તરત પુરાવા મળવા પણ શક્ય ન્હોતા. મેં સતત અમદાવાદના ફેરા શરૂ કર્યા હતા. ઘણા દિવસોની મહેનત પછી મારી સ્ટોરી સાચી છે તેવા પુરાવા હાથ લાગ્યા. જો કે પુરાવા મળ્યા પછી તે સ્ટોરી આગળ ચલાવવામાં દિવ્ય ભાસ્કરને રસ ન્હોતો. મને લાગી રહ્યુ હતું મેં દિવ્ય ભાસ્કર સામે મજેઠિયા પંચના લાભ માટે કેસ કર્યો તેનું માઠુ ભાસ્કરના માલિક સુધીર અગ્રવાલને લાગ્યુ તેના કરતા વધુ ખરાબ ભાસ્કરના તંત્રીઓને લાગી રહ્યુ હતું. જો કે મારો કોન્ટ્રાક્ટ એક વર્ષનો હતો, તેઓ મને પરેશાન કરીને પણ એક વર્ષ પહેલા છુટા કરી શકે તેમ ન્હોતા.

આવી વિષમ પરિસ્થિતિમાં પણ મને વડોદરા દિવ્ય ભાસ્કરના મિત્રોનો પ્રેમ મળી ગયો. કદાચ તેમણે મારા સમયને ટુંકો કર્યો હતો. હું જ્યારે વડોદરા હાજર થવા ગયો ત્યારે મને સૌથી પહેલા ઉર્વિશ પટેલ મળ્યો હતો, તેણે થોડા દિવસ પછી મને પત્ર બતાડ્યો, તે તેના રાજીનામાનો પત્ર હતો. તેણે મને કહ્યુ મારો પરિવાર અમદાવાદ રહે છે, હું અમદાવાદ જવા માગતો હતો, તેના કારણે મેં મારૂ રાજીનામુ લખી રાખ્યુ હતું અને તંત્રીને આપવાનો જ હતો પણ તે દિવસે તમે વડોદરા હાજર થયા. મારી ઈચ્છા હતી કે મારે તમારી સાથે કામ કરવુ છે. હવે તમે જ્યારે વડોદરા આવ્યા છો તો મારે તે તક ગુમાવી નથી. તેણે મારા હાથમાં રહેલો તેનો રાજીનામાનો પત્ર લીધો અને ફાડી નાખ્યો. તેણે કહ્યુ તમે વડોદરા રહેશો ત્યાં સુધી હું તમારી સાથે કામ કરવા માટે વડોદરા રહીશ અને તમે જશો ત્યાર બાદ હું ભાસ્કર છોડી દઈશ. આમ આ એક સામાન્ય ઘટના લાગે પણ કોઈ તમને પ્રેમ કરે છે અને કોઈ તમને માન આપે છે તે બતાડવા માટે મોટી ઘટના હતી. ત્યાર બાદ ઉર્વિશ મારૂ સતત ધ્યાન રાખતો હતો, તેનો રોજનો એક કાયમી સવાલ હતો કે હું જમ્યો કે નહીં. કારણ તેને એવુ લાગી રહ્યુ હતું કે હું જમવાની બાબતમાં બેદરકાર છું, તે ઘણી વખત રાત્રે મને આગ્રહ કરી જમવા લઈ જતો હતો. વડોદરાના પત્રકારોને જ્યારે ખબર પડી કે મને રસોઈ કરતા આવડે છે એટલે જે મિત્રની પત્ની પિયર જાય એટલે તેઓ મને ઘરે રસોઈ કરવા અને જમવાનું આમંત્રણ આપતા હતા, એટલે હું પહોંચી જતો , રસોઈ કરતો અને ચાર-પાંચ  મિત્રો સાથે બેસી જમતા હતા. મારી પાસે પોતાની જાતને ખુશ રાખવાના આ પ્રકારના નાના નાના કારણો પણ હતાં.

આમ મારૂ એક વર્ષ પુરૂ થવા આવ્યુ હતું. આ દરમિયાન ગુજરાતના સ્ટેટ એડિટર પદે નવનીત ગુર્જર આવ્યા હતા અને અમદાવાદ એડિશનના તંત્રી પદે રાજ ગોસ્વામી આવ્યા હતા. રાજભાઈ મારા સિનિયર હતા, તેમની ઈચ્છા હતી કે મારો કોન્ટ્રાક્ટ રીન્યુ થાય અને મારી બદલી પણ અમદાવાદ થાય. તેમણે મને અમદાવાદ આવી સ્ટેટ એડિટર નવનીત ગુર્જરને મળવાનું કહ્યું હતું. હું નવનીત ગુર્જરને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. તેમણે મને કહ્યુ હું તમારા કામથી માહિતગાર અને પ્રભાવીત છું. મને ગમશે કે તમે મારી ટીમમાં હોવ પણ મજેઠીયા પગાર પંચના મુદ્દે જે સ્થિતિ નિર્માણ થઈ તેમાં તમારો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાનો અને તમને અમદાવાદ પાછા લાવવાનો નિર્ણય સુધીર અગ્રવાલ સિવાય કોઈ લઈ શકશે નહીં, પણ હું તમારા માટે વાત કરીશ. પછી મને જાણકારી મળી કે નવનીત ગુર્જરે બે-ત્રણ વખત સુધીર અગ્રવાલ સાથે મારા માટે વાત કરી હતી પણ તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યુ કે બધા જ મારી પાસે પ્રશાંત સારો રિપોર્ટર છે તેવી વાત લઈ આવે છે શું ગુજરાતમાં એક જ સારો રીપોર્ટર છે..? મને અંદાજ આવી રહ્યો હતો કે મારો કોન્ટ્રાક્ટ રીન્યુ થવાની શક્યતા બહુ ઓછી છે છતાં મનમાં ઉંડે ઉંડે આશા હતી કે ક્યાંય કંઇક સારૂ થશે. આ દરમિયાન મને જાણિતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો ફોન આવ્યો. તેમને ખબર પડી કે હું વડોદરા છું અને અમદાવાદમાં નોકરી શોધી રહ્યો છે. તેમણે મને ફોન કરી કહ્યુ પ્રશાંત તમને વાંધો ના હોય તો હું એક અખબારના માલિકને વાત કરું. હું તે અખબાર અને તેના માલિકનું નામ સાંભળી હસ્યો અને કહ્યું સાહેબ તમે મારી ચિંતા કરી તેના માટે આભાર, મારે તો નોકરી જોઈએ છે, તમે કહ્યું તે અખબારમાં જો મને નોકરી મળતી હોય તો મને નોકરી કરવામાં કંઈ વાંધો નથી.

મારા અને તે અખબાર માલિક વચ્ચે સંબંધો સારા કહેવાય તેવી સ્થિતિમાં ન્હોતા. મને તે અખબારમાં નોકરી મળશે તેવી શક્યતા બહુ ઓછી લાગતી હતી પણ વિનોદ ભટ્ટ જેવા મોટા લેખક જો મારા માટે ભલામણ કરતા હોય તો કદાચ કામ થઈ જાય તેવુ પણ લાગતુ હતું. બીજા દિવસે મને વિનોદ ભટ્ટનો ફોન આવ્યો અને તેમણે મને હસતાં હસતાં કહ્યુ અરે પ્રશાંતભાઈ તમે તો મોટા ગુંડા છો. મેં કહ્યુ શું થયુ સાહેબ? તેમણે મને તે અખબાર માલિકે મારા માટે કહેલા શબ્દોમાં કહ્યુ “પ્રશાંતની વાત કરશો નહીં, બહુ ખતરનાક માણસ છે, તે મને પણ જેલમાં મોકલી શકે છે.” હું હસવા લાગ્યો, વિનોદ ભટ્ટે મને કહ્યુ તે અખબારનો માલિકો કોઈ પત્રકારથી ડરતો હોય તેવી પહેલી ઘટના છે. જો કે મારા માટે સવાલ એવો હતો કે મારા માટે તે અખબારમાં દરવાજા બંધ હતા જે હાલમાં કોઈ રીતે ખુલે તેવી સ્થિતિ ન્હોતી. મેં મારા સંપર્ક હતા ત્યાં બધે જ નોકરી મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. મને કોઈ નોકરી આપીશુ તેવુ કહેવા તૈયાર ન્હોતા. કેટલાંક અખબારોમાં મારા મિત્રો તંત્રી હતા પણ મારી તરફણેમાં કોઈ સ્થિતિ નિર્માણ થઈ રહી ન્હોતી. હવે અમદાવાદ પાછા ફરવાનું નક્કી હતું કારણ મારો કોન્ટ્રાક્ટ રીન્યુ થયો ન્હોતો. જે દિવસે હું અમદાવાદ આવવા નિકળ્યો ત્યારે મારા અનેક મિત્રોની આંખો ભીની હતી. વડોદરા આવ્યો ત્યારે મારી આંખો ભીની થઈ હતી પણ વડોદરા છોડી રહ્યો હતો ત્યારે મારા મિત્રોની આંખો ભીની હતી. કદાચ એક વર્ષ માટે હું વડોદરા આવ્યો ના હોત તો મારી જિંદગીમાં આવા સારા અને પ્રેમાળ મિત્રોને હું ક્યારેય મળી શક્યો ના હોત.
(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.