હું પ્રશાંત દયાળ, (ભાગ-2):સંદેશ પ્રેસ ત્યારે અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં હતું. સંદેશ તરફ જવા માટે ત્રણ રસ્તા હતા. ખાનપુરથી પણ જઈ શકાય અને શાહપુર અને મીરઝાપુરથી પણ જવાનો રસ્તો હતો. હું સવારના ટ્રાફિક વચ્ચે શાહપુરમાંથી નિકળ્યો. શાહપુરના ગેરેજવાળા સતત હોર્ન મારી રહ્યા હતા. રાસ્તમાં ક્યાંક મુસ્લિમોના ઘરની બહાર મટન ટેલો કાઢવા માટે ચરબીને તપેલામાં મુકી ચુલો સળગાવવામાં આવ્યો, મટન ટેલોની વાંસ મારા  હાડકા સુધી પહોંચી જતી હતી. આ ઉંમરે તો  ઈંડુ પણ ખાધુ ન્હોતુ, તેના કારણે મટન ટેલોની વાસ સ્વભાવીક મને વિહવળ બનાવી રહી હતી, પણ હવે તો આ રસ્તાઓ અને આવી વાસની મારે ટેવ પાડવાની હતી. હું શાહપુરની સાંકડી ગલીમાંથી બહાર નિકળી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ પાસે થઈ ઘીકાંટા સંદેશ પહોંચ્યો. સંદેશ પ્રેસના દરવાજા પાસે ઉભો રહો એટલે તેની બરાબર સામે એક ખુલ્લુ મેદાન હતું અને મેદાનની પેલે પાર એક લાલરંગની ઈમારત હતી. આ ઇમારત સાથે મારી બાળપણની અનેક યાદો સંકળાયેલી હતી. હું તે ઈમારતને જોઈ રહ્યો, પછી તરત સંદેશ પ્રેસમાં દાખલ થયો. પ્રેસમાં દાખલ થતાં ત્યારના મોટા પ્રિન્ટીંગ પ્રેસનો અવાજ આવી રહ્યો હતો. અખબારમાં વપરાતી ખાસ કેરોસીન મિશ્રિત શાહીની વાસ મને ગમતી હતી. મિલીંદ માંકડને મળવા માટે હું પહેલા માળની સીડી ચઢવા લાગ્યો. મનમાં વિચાર આવ્યો આવી પ્રેસમાં નોકરી મળી જાય તો કેવી મઝા પડી જાય. ત્યારે સંદેશના માલિક અને તંત્રી ચીમનભાઈ પટેલ હતા. ચીમનભાઈ પટેલ પણ દેખાવે કડક અને બોલવામાં એકદમ પટેલીયા હતા, પણ મારા જેવા નવશીખીયા સાથે સારી રીતે જ વાત કરતા હતા. કોલેજ તરફથી મને એક મહિનો ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યો ત્યારે તેમણે મને ટ્રેનિંગ પુરી કર્યા પછી સારા કામનું પ્રમાણપત્ર આપ્યુ હતું. 

મારે હવે નોકરીની જરૂર હતી પણ અનુભવ ન્હોતો માટે તે નોકરી આપવા તૈયાર ન્હોતા. ચીમનભાઈ પટેલ પણ પહેલા માળે તંત્રી વિભાગની સામે જ બેસતા હતા. સંદેશમાં બધા તેમને શેઠ કહી સંબોધતા હતા.  હું પહેલા માળે પહોંચ્યો, તંત્રી ખાતામાં દાખલ થયો, મને હાશકારો થયો, માંકડ સાહેબ તેમના ટેબલ ઉપર બેસી કામ કરતા હતા, ત્યારે પત્રકારો સાંજે જ ફિલ્ડમાં જઈ આવતા હતા. માંકડ સાહેબ તંત્રી ખાતાની સાથે સવારે અંગ્રેજી જાહેરખબરનું ગુજરાતીમાં ભાષાંતરનું કામ કરતા હતા  તેની મને ખબર હતી માટે જ હું સવારે આવ્યો હતો.  હું તેમના ટેબલ પાસે જઈ ઉભો રહ્યો, તેમણે પોતાના કામમાંથી ઉપર જોયુ અને મને જોતા તેમને આશ્ચર્ય થયુ. તેમના ચહેરા ઉપર કાયમની જેમ એક નાના બાળક જેવુ નિર્દોષ હાસ્ય આવ્યુ, તે મારી કરતા ઉંમરમાં લગભગ વીસ વર્ષ મોટા હતા, છતાં તે મને પ્રશાંતભાઈ અને તમે કહીને બોલાવતા હતા.  મેં પણ તેમની સામે સ્મિત આપ્યું. તેમણે આશ્ચર્ય સાથે પુછ્યું શુ વાત છે પ્રશાંતભાઈ સવાર-સવારના.. મેં કહ્યુ સર એક કામ છે, તેમણે મને બેસવાનો ઈશારો કર્યો.મને પુછ્યુ ચ્હા પીશુ? હુ હા કે ના કહું તે પહેલા તેમણે પટાવાળાને બુમ પાડી કહ્યુ બે ચ્હા લઈ આવ. હું સંદેશમાં એક મહિનો ઈન્ટર્નશીપ કરવા આવ્યો ત્યારે જે સિનિયર પત્રકારો હતા તે મારી સાથે સારી રીતે તો ઠીક પણ વાત કરવા પણ તૈયાર ન્હોતા. મને બહુ ખરાબ લાગતુ હતું. હા બે પત્રકારો હતા કદાચ તેઓ બે-ત્રણ વર્ષ પહેલા જ સંદેશમાં આવ્યા હતા. તેમાં અશ્વીન ત્રિવેદી અને મયુર ભટ્ટ હતા, તેમનો સ્વભાવ ખુબ સારો હતો. તેઓ પણ મને કેવી રીતે લખવુ, ક્યાં જવુ, કોને મળવુ તેવુ શીખવાડતા હતા. જો કે એક મહિનામાં પણ તેઓ મને કેટલુ શીખવાડે અને હું કેટલુ શીખુ તે પણ એક પ્રશ્ન હતો. હું જે લખુ તે માંકડ સાહેબ તપાસતા હતા અને મને તેમાં સુધારા કરી આપતા હતા.

સંદેશના કર્મચારીઓ માટે જ એક ખાસ કેન્ટીન ચાલતી હતી  એટલે ચ્હા પણ તરત આવી ગઈ. તેમણે ચ્હાનો કપ હાથમાં લેતા પુછ્યુ બોલો પ્રશાંત શુ હતું? મેં તેમને નોકરી લેવા માટે સંદેશની ટ્રેનિંગમાંથી નિકળી કરેલા તમામ પ્રયત્નો કહ્યા. છેલ્લે હું ભુપતભાઈ વડોદરીયાને મળી આવ્યો તેની વાત પણ કહી. માંકડ સાહેબનો ચહેરો ગંભીર થયો, પછી તેમણે મને પુછ્યુ ઘરમાં કોણ કોણ છે? મેં કહ્યુ મમ્મી-પપ્પા છે, એક નાનો ભાઈ, મમ્મી-પપ્પા બંન્ને એકાઉટન્ટ જનરલની ઓફિસમાં નોકરી કરે છે. તેમણે ચ્હાની ચુસકી મારી કપ ટેબલ ઉપર મુકતા કહ્યુ તો પછી ઘરે પૈસા આપવા પડે તેવી જવાબદારી તમારા માથા ઉપર નથી ને? મેં કહ્યુ ના. તેમણે કહ્યુ સરસ તો તમને કામ મળી જશે, મને લાગે છે વાંધો આવવો જોઈએ નહીં. મને થયુ મારા મમ્મી-પપ્પા નોકરી કરે છે અને મારે ઘરે પૈસા આપવાના નથી તેને અને મને કામ મળવાને શુ સંબંધ હોઈ શકે? તેમણે મને વાત કહેતા પહેલા આગળ પાછળ જોયુ અને પછી કહ્યુ આ લાઈન જ આવી છે, જ્યાં સુધી તમે તેમના માટે કામના સાબિત થતા નથી ત્યાં સુધી તમને કોઈ પગાર આપશે નહીં. પહેલા તમે એક વખત આ લાઈનમાં દાખલ થઈ જાવ, પગારની અપેક્ષા રાખતા નહીં અને માગતા પણ નહીં, તો તમને કામ મળી જશે. હું આશ્ચર્ય સાથે તેમની સામે જોઈ રહ્યો મને કંઈ જ સમજાયુ નહીં. મારી ચ્હા ઉપર મલાઈ જમી રહી હતી, તેમણે મારા ચ્હાના કપ સામે જોયુ, મને કહ્યુ પહેલા ચ્હા લઈ લો. મેં ચ્હાનો કપ ઉપાડી હોઠ ઉપર માંડ્યો, તેમણે મારા ચહેરા પાસે આવી ધીમા અવાજે કહ્યુ આવતીકાલે ભુપતભાઈને મળજો અને કહેજો, સાહેબ મારે પગાર જોઈતો નથી, તમને કામ મળી જશે. મને માંકડ સાહેબની સલાહ બહુ વિચિત્ર લાગી પણ ત્યારે માંકડ સાહેબ કહે તે જ મારા માટે પુર્વ દિશા હતી.

હું 1988માં ભવન્સ કોલેજમાં જર્નાલીઝમમાં દાખલ થયો ત્યારે જે પ્રોફેસર્સ ભણાવવા આવતા હતા તેમાં એક માત્ર પત્રકાર કહી શકાય તેવા પ્રોફેસર કાંતી રામી હતા. તેઓ સંદેશ અખબારમાં પુર્તિ વિભાગ સંભાળતા હતા, તેમણે તેમના પહેલા જ લેક્ચરમાં કહ્યુ હતું, આ લાઈનમાં કોઈ ગ્લેમર નથી, તમને જે બહારથી ગ્લેમર દેખાય છે તે ખોખલુ છે. નોકરી મળવાની મુશ્કેલ છે અને નોકરી મળે પછી તે ટકાવવાની પણ મુશ્કેલી છે એટલે ત્યારે તમે દુખી થશો અને લાઈન છોડી દેવાનો વિચાર કરશો તેના કરતા આજે તમે મારો ક્લાસ પુરો થાય ત્યાર પછી જતો રહેજો, સમય બગાડતા નહીં. મને આશ્ચર્ય લાગ્યુ હતું. એક પ્રોફેસર જે પત્રકાર પણ છે અને પત્રકારત્વ ભણાવે પણ છે તે અમને આ લાઈનમાં બહુ જ તકલીફો છે તેવુ કહી ડરાવી રહ્યા છે પણ હું ડરવાનો ન્હોતો, તેની મને પણ ખબર હતી પણ સંદેશમાંથી નિકળતા મને કાંતી રામી સાહેબના શબ્દો યાદ આવ્યા. જો કે હવે પાછા ફરવાનો સમય ન્હોતો, બહુ મોડુ થઈ ગયુ હતું. મારી જીંદગીના મોટા ભાગના નિર્ણયો મેં જાતે, મારી જીદના કારણે લીધા હતા, તેના કારણે હું મારા નિર્ણય અને તેના પરિણામ માટે બીજાને દોષીત ઠેરવી શકતો ન્હોતો, હું અનેક વખત નિષ્ફળ સાબિત થયો હતો પણ મારે આ પરિક્ષામાં નાપાસ થવુ ન્હોતુ. હું આ લડાઈ હારી ગયો તો હું બીજુ શુ કરીશ, મારા મમ્મી-પપ્પાને શુ જવાબ આપીશ? તેઓ મને સરકારી નોકરી લેવાની સલાહ આપતા હતા પણ મારે તે કરવી ન્હોતી.

(ક્રમશ:)  

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો