હું પ્રશાંત દયાળ: ભાગ-13: સાધુ તો ચલતા ભલા જેવુ મારૂ કામ હતું. સમભાવના એક વર્ષના અનુભવમાં ખાસ્સુ શીખી ગયો હોય તેવુ મને લાગી રહ્યુ હતું. સમભાવમાં દિવ્યેશ ત્રિવેદી અને દિગંત ઓઝા જેવા દિગ્ગજ તંત્રીઓ સાથે કામ કરવા મળ્યુ હતું. જો કે મારા અને દિગંત ઓઝા વચ્ચે કાયમ ચકમક ઝરતી હતી. તેમને લાગી રહ્યુ હતું કે પત્રકારત્વમાં હું નિયત ઝડપ કરતા વધુ ઝડપે જઈ રહ્યો છુ. મારી ઝડપ ઘાતક થઈ શકે તેમ હતી. કદાચ તેમની વાત સાચી પણ હતી પણ મારી ઉંમરને મને કહેતી હતી કે પડશે તેવા દેવાશે. આ દરમિયાન મને જાણકારી મળી કે સુરતથી એક નવુ અખબાર શરૂ થાય છે, તેના માલિક સુરતના બહુ જ પૈસાપાત્ર સી. આર. પાટીલ કરીને કોઈ છે. નવુ જ અખબાર શરૂ થતુ હતું એટલે બધો જ સ્ટાફ નવો લેવાનો હતો. મેં તપાસ કરી તો ખબર પડી કે સિનિયર પત્રકાર મહેન્દ્ર દેસાઈ અને જશવંત રાવલ આ અખબારની કામગીરી સંભાળવાના છે અને મેં જશવંતભાઈને ફોન કર્યો. તેમણે મને કહ્યુ જેમને પણ નોકરીની જરૂર હોય તેમને લઈ સુરત ઈન્ટરવ્યુ માટે આવી જાવ. મારી સાથે સમભાવમાં પહેલા પાને મારો મિત્ર વિકાસ ઉપાધ્યાય નોકરી કરતો હતો. મેં તેને નવા શરૂ થઈ રહેલા અખબાર અંગે વાત કરી, મેં કહ્યુ પગાર પણ સારો આપશે, જવુ છે? પણ અમારી સમસ્યા એવી હતી કે ચાલુ નોકરીએ જો ઈન્ટરવ્યુ આપવા જઈએ અને શેઠને ખબર પડી જાય તો સમભાવની નોકરી પણ જતી રહે. પણ હારી જવાનો મારો સ્વભાવ ન્હોતો. મેં રસ્તો શોધી કાઢ્યો.

વિકાસ ઉપાધ્યાય તેનું કામ લગભગ રાતના બાર વાગે પુરૂ કરતો હતો. મેં નક્કી કર્યુ કે તે કામ પુરૂ કરી મારા સ્કૂટર ઉપર હું અને વિકાસ સુરત જવા માટે નિકળીશુ. નક્કી કર્યા પ્રમાણે અમે મારા બજાજા સ્કૂટર ઉપર રાત્રે બાર વાગ્યે નેશનલ હાઈવે આઠ ઉપર સુરત જવા નિકળ્યા, ત્યારે હાઈવેના રસ્તા પણ સારા ન્હોતા. ટ્રકની આંજી નાખતી લાઈટની સામે મારા બજાજાની ફાનસ જેવી લાઈટના સહારે સુરત જવાનું હતું. મેં આખી રાત સ્કૂટર ચલાવ્યુ સવારના આઠ વાગ્યે સુરત પહોંચ્યા હતા, ત્યાં જઈ સ્કૂટરના મીરરમાં જોયુ તો ટ્રકના ધુમાડાને કારણે આખા કાળા થઈ ગયા હતા. સ્કૂટરની ડેકીમાં અમારા શર્ટ હતા, એક ચ્હાની કિટલી ઉપર જાણે ન્હાતા હોઈએ તે રીતે હાથ પગ ધોયા સાથે લાવેલો શર્ટ બદલ્યો અને સી. આર. પાટીલને મળવા ગયા. અમને લાગ્યુ કે અમે હિન્દી ફિલ્મના કોઈ ડોનને મળવા માટે આવ્યા હોઈએ તેવો માહોલ હતો. સી. આર. પાટીલનો દરબાર ભરેલો હતો. લોકો પોતાની ફરિયાદ લઈ આવતા હતા અને પાટીલ સાહેબ ફરિયાદનું નિરાકરણ કરતા હતા. બધાની ફરિયાદ પતાવ્યા પછી અમારો વારો આવ્યો પણ ત્યાં સુધી ખુબ ધમાસણ ચાલ્યુ. મનોમન નક્કી કર્યુ કે નોકરી ના મળે તો સારૂ. જ્યારે સી. આર. પાટીલ સાથે નોકરી અંગે વાત શરૂ થઈ ત્યારે તેમણે મને કેટલા પગારની અપેક્ષા છે તેવુ પુછ્યુ. પાંચસો પગારવાળો પત્રકાર કેટલો વધુ પગાર માંગી શકે? છતાં મેં હિંમત કરી ત્રણ હજાર રૂપિયા કહ્યા. મને હતું કે તે ના પાડે એટલે આપણે ઉભા થઈ ચાલતા થઈએ, પણ ત્રણ હજાર પગાર સાંભળી તેમણે કહ્યુ મંજુર બોલો બીજુ કંઈ? હું મુંઝાઈ ગયો, મેં તરત નવુ બહાનુ કર્યુ કે સુરતમાં રહેવાની સમસ્યા છે. તેમણે કહ્યુ રહેવાની વ્યવસ્થા થઈ જશે, ફ્લેટ આપી દઈશ. હું નોકરી ના મળે તેવી શરતો મુકી રહ્યો હતો પણ તે મારી બધી શરતો મંજુર કરી રહ્યા હતા. અમે રાજીનામુ આપીને હાજર થઈશુ તેવુ કહી સુરતથી નિકળ્યા. અમારી બજાજ સવારી પાછી શરૂ થઈ. આખો દિવસ તડકામાં સ્કૂટર ચલાવી સાંજે અમદાવાદ પાછા ફર્યા ત્યારે મારી આંખ દડા જેવી થઈ ગઈ હતી. ત્યારે અખબારની સંખ્યા ઓછી હોવાને કારણે વધુ પગાર આપે તેવા અખબારમાં નોકરી મેળવવા માટે ઘણી જદ્દોજહદ કરવી પડતી હતી.

સમભાવમાં મારો પગાર પાંચસો રૂપિયા હતો ત્યારે મને જયહિન્દ અખબારમાંથી તેડુ આવ્યુ કે સાતસો રૂપિયા પગાર મળશે આવવુ છે? આપણે તો એક જ પગ ઉપર ઉભા હતા. સમભાવની નોકરી છોડી જયહિન્દ તરફ સવારી ઉપાડી. હજી ત્યાં છ મહિના થયા હતા ત્યારે પ્રભાત અખબારને એક સારા ક્રાઈમ રિપોર્ટરની જરૂર હતી એટલે બારસો રૂપિયામાં પ્રભાત અખબારમાં જોડાયો. હું મારા જે સિનિયર પત્રકારો હતા તેમના પગાર તરફ જોતો ત્યારે સમજાયુ કે વર્ષો સુધી એક જ અખબારમાં નોકરી કરતા પત્રકારનો પગાર વધતો નથી. કારણ માલિક એવુ માને છે કે અમારા આ મુરતીયાને કોઈ લેવાનું નથી અને પત્રકારને નવી માળખામાં જવાનો ડર લાગે છે. તેના કારણે એક જગ્યાએ નોકરી કરતા પત્રકારનો પગાર કીડીની ગતિએ આગળ વધતો હતો. પ્રભાત અખબારમાં સાત આઠ મહિના નોકરી કરી હશે ત્યારે જાણકારી મળી કે મુંબઈનું પ્રતિષ્ઠિત અખબાર મુંબઈ સમાચાર અમદાવાદમાં આવી રહ્યુ છે. મે તેના માટે અરજી કરી. થોડા દિવસ પછી મારા ઘરના ફોન ઉપર મને જાણકારી આપવામાં આવી કે મુંબઈ સમાચારના માલિક મન્ચેરજી કામા અમદાવાદ આવી રહ્યા છે અને તેઓ કામા હોટલમાં તમને મળશે. હું પહેલી વખત નોકરી લેવા માટે ગંભીર થયો હોય તેવુ લાગ્યુ. કોઈએ મને સલાહ આપી કે કદાચ તને ઈન્ટરવ્યુમાં તે કરેલી સ્ટોરીના કટીંગ માગશે, પણ હું તો ક્યારેય મારી સ્ટોરીના કટીંગ રાખતો ન્હોતો, કારણ તે મને ગમતુ ન્હોતુ. હું માનતો કે રાત ગઈ વાત ગઈ, કટીંગ શુ કામ રાખવાના, પણ કામા શેઠ કટીંગ માગશે તો? એટલે હું જુના છાપા શોધી કટીંગ ભેગા કરી કામા હોટલ મન્જેરજી શેઠને મળવા ગયો. એકદમ પહાડી પરાસી માણસ, બોલચાલમાં ટીપીકલ પારસીપણુ, તે જમાનામાં તેઓ સૌથી વધારે પ્રોફેશનલ ગણાતા હતા. તેમણે મારી ફાઈલ તરફ નજર કર્યા વગર મને ગુજરાતના પ્રશ્નો અંગે પુછવા લાગ્યા. તેમણે મારા કટીંગની ફાઈલ જોઈ જ નહીં. એક વખત- બે વખત કુલ ત્રણ વખત તેમણે મને બોલાવી ઇન્ટરવ્યુ લીધા. ત્રીજા ઈન્ટરવ્યુમાં તેમણે મને કહ્યું કે એવન તમે દારૂ પીવો છો તેની મને ખબર છે. મને તેની સામે કોઈ વાંધો નથી પણ દારૂ પીવાને કારણે આપણા અખબારનું નામ ખરાબ થાય તેવુ ના કરતા. આ આખી વાતમાં મને બીટવીન્ધી લાઈન્સ જે સમજાયુ તે એવુ હતું કે કામા શેઠ મને મુંબઈ સમાચારમાં નોકરી આપી રહ્યા છે. અમારી ચોથી મુલાકાત થઈ, તેમણે પોતાના ટેબલના ડ્રોઅરમાંથી એક કવર કાઢ્યુ અને કાગળ ખોલી વાંચતા કહ્યુ એવન અમે તમને નોકરી આપવાનો નિર્ણય કર્યો છે. તમારો પગારો હશે ચાર હજાર બસો અને પીચ્ચોતર રૂપિયા અને ચાલીસ પૈસા. બોલો પગાર મંજુર છે? પગારનો આંકડો સાંભળી હું છક્ક થઈ ગયો. મારો પગાર બેતાલીસો રૂપિયા હતો, જે તે જમાનોમાં ઘણો મોટો કહેવાય પણ શેઠ તો નવા પૈસા સાથે પગાર કહી રહી હતા અને તે પણ આટલો મોટો પગાર આપી મને પુછી રહ્યા હતા કે પગાર મંજુર છે? મારી પાસે ના પાડવાનું કોઈ જ કારણ ન્હોતુ અને તે પણ કામા શેઠ જેવો તમારો માલિક હોય મેં તરત હા પાડી અને હું એક મોટા પગારની તરફ પહેલી વખત પ્રયાણ કરી રહ્યો હતો. 

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો