પ્રશાંત દયાળ.મેરાન્યૂઝ (ડૉન રવિ પુજારીઃ ભાગ-1): દેશના જે રાજ્યોમાં શ્રીમંતો વસે છે તેવું એક પણ રાજ્ય નથી જ્યાં મુંબઈ અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીએ ખંડણી ઉઘરાવી ના હોય. સેન્ટ્રલ એજન્સીઓ છેલ્લાં ત્રણ દાયકાથી તેને શોધવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારે ત્રીસ વર્ષ પછી સેન્ટ્રલ આાફ્રિકામાંથી ઝડપાઈ ગયો છે. મૂળ કર્ણાટકના માલપે ગામનો વતની રવિ પુજારી શેટ્ટી પરિવારનો છે. સામાન્ય રીતે શેટ્ટી પરિવારના લોકો મુંબઈમાં નાની મોટી રેસ્ટોરન્ટ ચલાવે છે. ઘરના કારમી ગરીબીને કારણે નોકરી કરવા મુંબઈ આવેલા રવિએ મુંબઈના અંધેરી વિસ્તારના એક રેસ્ટોરન્ટમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી.

1980ના દસકમાં મુંબઈમાં એરિયા પ્રમાણે ડૉન હતો, અંધેરી વિસ્તારનો જગાનાથે નામનો એક ગુંડો હતો. તે અંધેરી વિસ્તારના લારીવાળાઓ પાસેથી હપ્તો ઉઘરાવતો હતો, જગાનાથેની હિંમત વધી અને તેણે હોટલ માલિક પાસેથી હપ્તો લેવાની શરૂઆત કરી હતી. 1988ની અરસામાં ગુંડા જગાનાથે અને રવિ પુજારીનો સામનો થઈ ગયો, રવિ સાવ યુવાન અને ગરીબ માણસ હતો. તેણે ગુંડા જગાનાથેને પડકાર્યો અને રવિના હાથે જગાનાથેની હત્યા થઈ, એક નાનકડા છોકરાએ ગુંડા જગાનાથેની હત્યા કરી નાખી તે વાત વાયુ વેગે મુંબઈમાં ફેલાઈ ગઈ, જ્યારે આ સમાચાર મુંબઈના ડૉન છોટા રાજન સુધી પહોંચ્યા ત્યારે તે રવિથી પ્રભાવીત થઈ ગયો.

હત્યા કેસમાં પકડાયેલો રવિ અંઘેરી પોલીસ પાસે હતો છોટા રાજનને તેને છોડાવવાની તમામ વ્યવસ્થા કરી અને તેના કારણે રવિ પુજારી છોટા રાજન ગેંગનો હિસ્સો થઈ ગયો. છોટા રાજન અને દાઉદ ઈબ્રાહીમ ત્યારે સાથે કામ કરતા હતા. ખરેખર તો રાજન દાઉદના જમણા હાથ સમાન હતો. આમ રવિ હવે દાઉદ ઈબ્રાહીમ ગેંગનો હિસ્સો બની ગયો. 1993 સુધી રાજન અને દાઉદ સાથે હતા ત્યાર બાદ રાજન દાઉદથી અલગ થયો પણ રવિ પુજારી રાજન ગેંગનો જ હિસ્સો રહ્યો, મુંબઈ પોલીસના ચોપડે રવિ પુજારીના નામે એક પછી એક ક્રાઈમ વધી રહ્યા હતા, રવિ શકિતશાળી ગુંડો બની રહ્યો હતો.

જો કે રવિ પુજારી તમામ ગેંગસ્ટર કરતા જુદો હતો. તેની અંગ્રેજી ભાષા ઉપર સારી પક્કડ હતી. તેને કોઈ ગુંડો કહે તે પસંદ ન્હોતું, તે કાયમ ધમકી આપનારને કહેતો કે તે ગુંડો નથી તે ગેંગસ્ટર છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના જેટલા પણ શ્રીમંતોને રવિ પુજારીએ ધમકી આપી ખંડણી ઉઘરાવી તેમને તેણે ક્યારેય ગાળ આપી નથી. તે ધમકી પણ બહુ શાંતિથી, ધીમા અવાજે અનેં સભ્ય રીતે આપતો હતો. જેના કારણે જેમને ધમકી મળી રહી છે તેવા લોકો અનેક વખત તેવી ભુલ કરી બેસતા હતા કે ગેંગસ્ટર આટલી સારી ભાષામાં થોડો વાત કરે...

(ક્રમશ:)