મેરાન્યૂઝ નેટવર્ક, કરાચી: અંધારી આલમનાં ખૂંખાર ડોન દાઉદ ઈબ્રાહીમના નજીક મનાતા ફારૂક દેવડીવાલાને પાકિસ્તાનમાં મારી નાખવામાં આવ્યો છે. ગયા વર્ષે દુબઈમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ભારત તેનું પ્રત્યાર્પણ કરવામાં અસફળ રહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, ફારૂકને છોટા શકીલના આદેશ પર ડી ગેંગના બોસ વિરુદ્ધ ષડ્યંત્ર રચવાના શકમાં તેને ઉડાવી દેવામાં આવ્યો છે. ભારત ગુનાખોરીના ઘણાં કિસ્સાઓમાં ફારૂક દેવડીવાલાની જરૂરિયાત હતી. ફારૂક પર આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહુદ્દીન માટે ભરતી કરવાનો પણ આરોપ છે.

પાકિસ્તાનને જુલાઈ-૨૦૧૮માં પાકિસ્તાની પાસપોર્ટ સહીત નકલી દસ્તાવેજોના આધાર પર પોતાના દેશમાં પ્રત્યાપર્ણ કરવામાં સફળતા મળી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે દાઉદના ખુબ જ નજીક મનાતા શકીલને બાતમીદારો દ્ધારા ખબર પડી હતી કે, દેવડીવાલા દુબઈમાં ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં દાઉદ વિરૂદ્ધ ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. જેના કારણે દેવડીવાલાને શકીલે ખખડાવ્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

આ દાવા અંગે સચ્ચાઈની ખબર પડતા દાઉદ અને તેના નજીકના સાથીઓએ કહ્યું કે, હવે તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ મામલે કઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. જયારે ઇન્ટરપોલ ફારૂક દેવડીવાલાનું કરાંચીમાં મોત થયું હોવાની વાતને સમર્થન આપી રહ્યું છે. જો ફારૂકના મોતને સમર્થન મળતું હોય તો તે દાઉદનો પાકિસ્તાનમાં મરનાર બીજો નજીકનો સાગરિત છે. આ પહેલા વર્ષ ૨૦૦૦માં ફિરોઝ કોકનીની પણ હત્યા કરી દેવામાં આવી હતી. કારણ કે તેણે દાઉદનું અપમાન કરવાની વાત કરી હતી.