પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):

જાગૃતિબહેન

આમ તો હું અને મારા જેવા હરેનના મિત્રો તમને ભાભીના નામથી સંબોધન કરીએ છીએ, છતાં પત્ર લખી રહ્યો છું માટે તમને બહેનના નામથી સંબોધન કરી રહ્યો છું. વર્ષ 2003 પહેલા હું આપના ઘરે હરેનને મળવા આવતો ત્યારે આપણી અલપ-જલપ વાત થતી હતી. તા. 26મી માર્ચ 2003નો દિવસની સવારે હું અને મારા મિત્રો ક્યારેય ભુલી શકીએ તેમ નથી. અમે સ્તબ્ધ હતા, હરેનને ગોળી મારી દેવામાં આવી છે તેવા સમાચાર મળ્યા ત્યારે મનમાંથી પહેલો અવાજ નિકળ્યો કે ઈશ્વર તેને બચાવી લેજે, પણ ઈશ્વર પણ ક્યારેક નિષ્ઠુર બની જતો હોય છે. અમારી પ્રાર્થના ઘરની દીવાલ સાથે અફળાઈ પાછી પડી. મને સમજાય છે કે હરેન અમારો મિત્ર હતો પણ તમારો પતિ અને તમારા બે સંતાનોનો પિતા હતો, ત્યારે બાળકો પણ નાના હતા. તમારી સ્થિતિ સમજી શકતો હતો, તમને આશ્વાસન આપવાની પણ મારી અંદર હિમંત ન્હોતી, એટલે જ હું તમને મળવા આવ્યો નહીં અને ફોન પણ કર્યો નહીં. આ સ્થિતિમાં હું તમને કેવી રીતે કહુ હિમંત રાખજો, કારણ જે સ્ત્રીએ પોતાનું  સર્વસ્વ ગુમાવ્યુ હોય તેની વેદના તમારા કરતા કોણ સારી રીતે સમજે?

હરેનના પિતા વિઠ્ઠલભાઈ માટે પણ આઘાત અસહ્ય હતો. પોતાના પુત્રને કાંધ આપવી કોઈ પણ પિતા માટે કેટલી પીડાદાયક હોય છે તે મને સમજાય છે. તેઓ જાહેરમાં રાડો પાડી કહેતા હતા કે હરેનની હત્યા નરેન્દ્ર મોદીએ કરાવી છે, પણ ત્યારે પણ મારૂ મન તે વાત માનવા તૈયાર ન્હોતુ. હરેન પંડ્યાએ પોતાની એલિસબ્રીજ વિધાનસભા બેઠક નરેન્દ્ર મોદી માટે ખાલી કરવાની ના પાડી તે દિવસથી મોદી અને હરેન સામ-સામે હતા. જેના કારણે સ્વભાવીક હરેનની  હત્યા નરેન્દ્ર મોદીએ કરાવી છે તેવી શંકા જવી સ્વાભાવીક છે. વિઠ્ઠલભાઈ પોતાના જીવનના અંત સુધી પોતાના પુત્રના હત્યારાને સજા થાય તે માટે લડતા રહ્યા. આ વખતે તમે એકદમ શાંત હતા, કારણ તમને તમારા નાના બાળકોની સલામતીની  ચિંતા સતાવી રહી હતી, ત્યારે તમારો ઉચિત નિર્ણય પણ હતો. તમે શાંત હતા તેનો અર્થ એવો ન્હોતો કે તમે હરેનને ન્યાય મળે માટે કંઈ કરવા માગતા ન્હોતા પણ ત્યારે સંજોગ તેવા હતા.

બાળકો મોટા થયા અને તમે બહાર નિકળ્યા, તમે સમજદાર હતા, તમને ખબર હતી કે તમારા સસરા વિઠ્ઠલભાઈની જેમ માત્ર કોઈની ઉપર આરોપ મુકવાથી કંઈ પરિણામ આવશે નહીં. હું તમારા પ્રયત્નનો સાક્ષી રહ્યો છું. તમે હરેન પંડ્યાની ફાઈલ લઈ એક વકીલથી બીજા વકીલોની ઓફિસમાં ફરતા હતા. આપણે પણ મળતા અને કઈ રીતે આગળ વધી શકીએ તેની ચર્ચા કરતા હતા. પોલીસ અને સીબીઆઈ દ્વારા પકડવામાં આવેલ હરેનને ગોળી મારનાર અઝગરઅલી એક મ્હોરુ છે તેવુ તમે અને હું બંન્ને માનતા હતા. આપણને શંકા હતી કે હરેનની હત્યા પાછળ અમિત શાહ હોઈ શકે, પણ આ માત્ર શંકા હતી આપણી પાસે તેનો કોઈ આધાર ત્યારે પણ ન્હોતો અને આજે પણ નથી. હરેનની હત્યા અઝગરે કરી નથી અને કરી છે તો કોના ઈશારે કરી છે તે જાણવુ અગત્યનું હતું. તમારા પ્રયત્ન અને હિમંતને દાદ આપવી પડે, તમે એક સ્ત્રી હોવા છતાં પોતાના જ પતિના હત્યારાને મળવા જેલ ઉપર પહોંચ્યા હતા.

તમે અઝગરને ખુબ વિનંતી કરી, તેનો કેસ લડવાની પણ તૈયારી બતાડી, પણ તે તમારી સામે કશુ બોલ્યો નહીં. ગુજરાત હાઈકોર્ટે અઝગર સહિત તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા ત્યારે આપણા મનમાં રહેલી શંકા વધુ મજબુત થઈ. જો અઝગરે હરેનને માર્યો નથી તો કોણે માર્યો છે, તમે દિલ્હી સીબીઆઈની ઓફિસમાં પણ ઓછા ધક્કા નથી ખાધા. ત્યારે દિલ્હીમાં યુપીએ સરકાર હતી, અહેમદ પટેલના નામના સિક્કા પડતા હતા. તમે આ મામલે સીબીઆઈ ફરી તપાસ કરે અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે તે માટે તેમને પણ તમે અનેક વખત મળ્યા પણ કોંગ્રેસવાળા પણ નમાલા સાબીત થાય, તેમને હરેનના નામે મોદી અને અમિત શાહને ગાળો આપવા સિવાય કોઈ રસ ન્હોતો. તેમણે પણ તમને કોઈ મદદ કરી નહીં, મારી અને હરેનની મિત્રતા તે કોર્પોરેટર હતો ત્યારની હતી. હું પ્રદિપસિંહ જાડેજા, હરેન અને બીમલ શાહ રોજ મળતા હતા.

મારૂ કામ તો પત્રકારત્વનું છે, અનેક વખત મેં ભાજપ અને હરેનની વિરૂધ્ધ પણ લખ્યુ હતું. હરેન મારા કામને સમજતો હતો, ક્યારેક તે નારાજ થતો પણ પછી પોતાને સમજાવી લેતો હતો. મારા જેવા પત્રકારના જીવનમાં માઠા દિવસો બહુ આવતા  હોય છે. હરેન મારા તમામ માઠા દિવસોમાં મારી પડખે હતો. અમારો સંબંધ એકબીજાને તુકારે  વાત કરવાનો હતો. હું તમારી સાથે એટલા માટે ઉભો હતો કે મારે મારી મિત્રતાનું ઋણ અદા કરવાનું હતું. આપણે હરેનને ન્યાય મળે તે માટે પ્રયત્ન કરતા હતા. આપણો ઈરાદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે બદલો  લેવાનો ન્હોતો, જેણે હરેનની હત્યા કરી તે પકડાય અને તેને સજા થાય તેવી જ ઈચ્છા હતી. આપણને અને કોઈ પણ અજાણ્યા માણસને સમજાય તેવુ હતું કે હરેનની હત્યા કરાવવાથી કોને ફાયદો થવાનો હતો, પણ આપણી પાસે કોઈ આધાર ન્હોતો. અનેક વખત આપણે થાકી અને હારી પણ ગયા..

હરેનની હત્યા કોણે અને કેમ કરાવી તે આપણે શોધી શક્યા નહીં તેનો અફસોસ આપણને આજે પણ છે, પણ મને અને મારા મિત્રોને ત્યારે આઘાત લાગ્યો જ્યારે જે ભાજપના નેતાઓએ તમારા પતિની હત્યા કરાવી હોવાની તમને શંકા હતી. અને જે ભાજપના નેતાઓ હરેનની હત્યા પછી તમારાથી દુર રહેવાનો પ્રયત્ન કરતા હતા, તમારી મુશ્કેલીના દિવસોમાં હરેનના ખાસ ગણાતા અંગત મિત્રો અને ભાજપના નેતાઓ દુર જતા રહ્યા હતા કારણ તેમને ડર હતો કે તમારી સાથે રહેવાનો અર્થ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે દુશ્મની કરી લેવી. સમય બદલાયો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા અને અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ થયા. આમ તો તમે મારી સાથે અનેક નાની નાની બાબતોની ચર્ચા કરતા હતા, પણ તે વાત તમે ક્યારેય કરી નહીં.

એક દિવસ સવારે જ્યારે મને ખબર પડી કે તમે ભાજપમાં જોડાયા ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. તમે ભાજપમાં જોડાયા અને બોર્ડના ચેરમેન પણ થઈ ગયા. મારુ મન કંઈ પણ સમજી શકે તેવી સ્થિતિમાં ન્હોતુ. સવાલ તમે ભાજપમાં જોડાયા તે ન્હોતો,  જ્યારે પણ રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ આવે અને હરેનના કેસ અંગે તમને મળવાનો પ્રયત્ન કર્યો ત્યારે આજ ભાજપના નેતાઓએ પોલીસને કહી તમારી અટકાયત કરાવતા હતા. આપણી પાસે આધાર ન્હોતો, આપણે માનતા હતા કે હરેનની હત્યા ભાજપના જ કોઈ નેતાઓ કરાવી છે. તમે આવુ કેમ કર્યુ આવો સવાલ મેં મારી જાતને અનેક વખત પુછ્યો. તમારા બ્રેડ-બટરનો સવાલ ન્હોતો, ભાજપમાં તમે જોડાવ અને ચેરમેન થાવ તો જ તમારો ચુલો સળગવાનો હતો તેવુ પણ ન્હોતુ, તો પછી તમે આવુ કેમ કર્યુ? ક્યારેક મને મનમાં એવી પણ શંકા ગઈ કે તમે હરેનના મોત નામે ભાજપના નેતાઓ ઉપર દબાણ ઉભુ કરી પદ અને હોદ્દો તો લેવા માગતા ન્હોતા?, પણ આવા ખોટા વિચારને મેં ખંખેરી નાખ્યો કે ના તમે આવુ કરી શકો નહીં.

કદાચ તમે ભાજપમાં ગયા અને ચેરમેન થયા તે બાબત તમને પણ કોરી ખાતી હતી. તેના કારણે જ તમે મારી સાથે વાત કરવાનું લગભગ બંધ કરી દીધુ. તમને તેવુ પણ લાગતુ હશે કે હું તમને તમારા આ નિર્ણય અંગે પુછીશ ત્યારે મને શુ જવાબ આપશો? તમારે મને જવાબ આપવો જ જોઈએ તે જરૂરી નથી, છતાં તે બોલવુ તે તમારૂ સૌજન્ય પણ હતું. તમે સરકારી કારમાં અને સરકારી ઓફિસમાં જતા થઈ ગયા અને હરેનની હત્યા કોણે કરી તે વાત તમે ભુલી ગયા, પણ હું તે ભુલી શક્યો નહીં. પરંતુ સિસ્ટમ સામે હું પણ લાચાર હોવાને કારણે કંઈ કરી શક્યો નહીં. ઘણી વખત મારી લાચારીનો મને પણ ગુસ્સો આવતો હતો. ગત શનિવારના રોજ મુંબઈ કોર્ટમાં સૌહરાબુદ્દીન શેખના સાથી આઝમ ખાને જ્યારે હરેન પંડ્યાની હત્યા ગુજરાતના પૂર્વ આઇપીએસ ડી. જી. વણઝારાના ઈશારે થઈ તેવો ઘટસ્ફોટ કર્યો ત્યારે મને તરત તમે યાદ આવ્યા.

હાલમાં આઝમ સાચુ બોલે છે તેવુ માની લઈએ તો વણઝારા અને હરેનને કોઈ દુશ્મની ન્હોતી. વણઝારાએ કેમ હરેનની હત્યા કરાવી તે પ્રશ્ન મહત્વનો છે. આપણી શંકા અને સામે આવેલા તથ્યો અમિત શાહ તરફ જઈ રહ્યા છે. આ સ્થિતિમાં તમે કઈ રીતે તેમની સાથે બેસી શકો? માની લઈએ કે વિઠ્ઠલભાઈની જેમ આપણે પણ લડતા લડતા મરી જઈએ, પણ જેમણે હરેનની હત્યા કરી હોવાની આપણને શંકા છે તેની સાથે તમે કેવી રીતે બેસી શકો? કઈ મજબુરી તમને ત્યાં બેસવાની ફરજ પાડી રહી છે? ખબર નહીં કે કઇ મજબુરી છે કે સત્તા લાલસા? આ પત્ર વાંચી માઠુ જરૂર લાગશે પણ વિચાર કરજો મારી વાત ઉપર, મોડુ ક્યારેય થતુ નથી, ભુલ આપણે બધા જ કરીએ છીએ, બસ તેને સુધારી લેવાની તૈયારી આપણી હોવી જઈએ.

જ્યારે પણ હરેન સાથે તે જ્યાં છે ત્યાં મળવાનું થશે ત્યારે આપણે તેને કહી શકીએ કે દોસ્ત તારી માટે અમે ખુબ લડ્યા, થાક્યા અને હાર્યા પણ ખરા પણ ક્યાંય સમાધાન કર્યુ નહીં, આવુ કહીએ શકીએ તેવુ કંઈક કરવાનો પ્રયાસ તો કરીએ.

બસ વિરમુ છું

પ્રશાંત દયાળ