મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ ઓછા વરસાદને કારણે પાક નિષ્ઠળ ગયા બાદ આર્થિક તંગીથી પરેશાન એક પછી એક ખેડૂતો દ્વારા આપઘાત કરવાના બનાવો હજુ પણ સમ્યા નથી. એક તરફ નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ શરૂ થઈ રહી છે. તો બીજી તરફ આપઘાતોનો સીલસીલો અટક્તો કેમ નથી તે તમામ સવાલો જ્યારે એક બીજા પર થઈ રહ્યા હતા ત્યારે વંથલીના લુશાલા ગામના ખેડૂતે પોતાના ગળામાં ફાંસો નાંખીને જીવનનો અંત આણ્યો છે.

પાકની બરબાદીથી થયેલા આર્થિક નુકસાનથી આવેલી તંગીને કારણે દિલીપભાઈ ટામિયા નામના ખેડૂતે આપઘાતનું પગલું ઉઠાવ્યું હોવાનિ વિગતો પરિવારજનોએ પોલીસને આપી છે.

મૃતકના પરિવાર મુજબ, પૂરા પરિવારની જવાબદારી દિલીપભાઈ પર જ હતી. તેવામાં ઓછા વરસાદને કારણે પાકમા નુકશાન આવતા તે આર્થિક મુશ્કેલીઓમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. જેને લઈને ગત ઘણા દિવસોથી દિલીપભાઈ ચિંતામાં ડૂબેલા હતા. જેને પગલે આખરે તેમણે આ પગલું ઉઠાવ્યું છે. તેમના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એક તરફ સરકાર ખેડૂતોની આવક બેગણી કરવાના દાવા કરી રહી છે. તેવામાં ખેડૂતો દ્વારા કરાયેલા આપઘાતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે સરકાર દ્વારા કરાયેલા વાયદાઓને લઈને લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે અને સરકાર દ્વારા ખેડૂતોને માટે યોગ્ય પગલા લેવાય તેવી માગ ઉઠી રહી છે. જોકે ગરીબ ખેડૂતના આપઘાત પાછળ રાજનીતિ તો ઘણી થાય છે પરંતુ શું ખરેખર ત્યાં સુધી સરકારની સહાયતા પહોંચે છે કે કેમ, ગ્રાઉન્ડ રિયાલીટીની તપાસ થાય છે કે કેમ તે અંગે પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.