મેરાન્યૂઝ નેટવર્ક.નવસારીઃ સામાન્ય રીતે પોલીસની ફરિયાદ હોય છે કે તેઓ કોઈ પણ તહેવાર પોતાના પરિવારની સાથે ઉજવી શકતા નથી કારણ તહેવારના દિવસે જ તેમનો બંદોબસ્ત હોવાને કારણે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો પણ પોતાના પરિવારને છોડી પ્રજાની સલામતી માટે તેમને નોકરી ઉપર હાજર રહેવું પડતું હોય છે. પોલીસની આ ફરિયાદમાં વજુદ પણ છે. જો કે આ મામલે હજી સુધી કોઈ સિનિયર પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકારે કોઈ પણ કાર્યવાહી કરી નથી, પરંતુ નવસારીના એસપી ગીરીશ પંડયા દ્વારા પોતાના તાબામાં કામ કરતા પોલીસ ઈન્સપેકટર્સને સૂચના આપવામાં આવી છે કે મહિલા પોલીસને એક દિવસ ગરબામાં જવા મળે તે માટે તેમનો રાત્રી બંદોબસ્ત કાઢવો નહીં.

નવરાત્રી શરૂ થઈ હોવાને કારણે રાજ્યની પોલીસ દિવસની નોકરી ઉપરાંત રાતનો બંદોબસ્ત પણ કરે છે. જેમાં મહિલા પોલીસ પણ સામેલ હોય છે. ખાસ કરી નવરાત્રીનો તહેવાર મહિલાઓને ગરબા રમવા માટે છે, પરંતુ મહિલા પોલીસ પણ બંદોબસ્તમાં હોવાને કારણે તેઓ ગરબામાં જઈ શકતી નથી. નવસારી એસપી ગીરીશ પંડયાએ મહિલા પોલીસ પણ ગરબામાં જઈ શકે તેવો રસ્તો કાઢ્યો અને પોલીસ ઈન્સપેકટર્સને જાણ કરી કે તમારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસને એક પછી એક નવરાત્રીના ગરબામાં જઈ શકે તે માટે રાત્રી બંદોબસ્તમાંથી મુકતી આપવામાં આવે.

હવે નવસારીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ નવ દિવસથી માંથી એક દિવસ ખાખી છોડી નવરંગી કપડા ગરબામાં જશે. આ પ્રકારે સિનિયર પોલીસ અધિકારીઓ નાના કર્મચારીઓના લાગણી અને માગણીનો વિચાર કરે તો પોલીસના અનેક પ્રશ્નો પોતાના જ સ્તરે પુરા થાય તેમ છે.