મેરાન્યૂઝ નેટવર્ક.નડિયાદઃ વડતાલના પુર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદને ગાદીપતિ પદ ઉપરથી હટાવી દેવાનો નિર્ણય  2003માં સાળંગપુર મુકામે સત્સંગ મહાસભા દ્વારા લેવામાં આવ્યો હતો, આ વિવાદ લાંબા સમયથી કોર્ટ આધિન હતો, નડિયાદ દિવાની કોર્ટ દ્વારા ચુકાદો સોમવારના રોજ જાહેર કરવામાં આવશે તેવી આગોતરી જાણકારીના પગલે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમવારે બપોરના સુમારે નડિયાદ કોર્ટ દ્વારા અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કરવાના સત્સંગ મહાસભાના નિર્ણયને બહાલી આપતા કોર્ટ આગણમાં ફટાકડા ફુટવા લાગ્યા હતા. કોર્ટના આ ચુકાદાનું સંતોએ સ્વાગત કર્યું છે.

વડતાલ સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તરીકે અજેન્દ્રપ્રસાદ હતા, પરંતુ સાધુ સંતો માનતા હતા કે ગાદીપતિ તરીકે બેસનાર આચાર્ય નહીં પણ સાધુ સંતોની મહાસભા જ સર્વોપરી છે, જેના કારણે 2003માં સંત મહાસભાએ આચાર્ય અજેન્દ્રપ્રસાદને વડતાલના ગાદીપતિ તરીકે પદભ્રષ્ટ કરી તેમના સ્થાને રાકેશપ્રસાદને આચાર્ય પદ સોંપ્યુ હતું, ત્યાર બાદ આ મામલો કોર્ટ સુધી ગયો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ સુધી દાવાઓ થયા હતા. આ મામલે બંન્ને જુથનો ભક્તો સામ સામે આવી જવાની ઘટનાઓ પણ થઈ હતી. ચુકાદા વખતે ફરી કોઈ પ્રકારની હિંસા થાય નહીં. તે માટે પોલીસ દ્વારા વડતાલ મંદિર સહિત તમામ સ્થળે પુરતો બંદોબસ્ત રાખ્યો હતો.

હવે આ ચુકાદા બાદ અજેન્દ્રપ્રસાદના સમર્થકો ઉપરની અદાલતમાં અપીલ કરશે તેવી જાણકારી મળી છે, જો કે આ ચુકાદાને આવતા પંદર વર્ષ થઈ ગયા હતા.