મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી: મોરબીમાં કોલસાનું ટ્રેડિંગ કરતા વેપારી તેમના બે મિત્રો અને ડ્રાઈવર સહીત ચાર વ્યક્તિઓનું અમૃતસરમાં બંદુકની અણીએ અપહરણ કરી ૧૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી. પરંતુ મોરબી પોલીસે પંજાબ પોલીસને જાણ કરતા પંજાબ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ ચારેય બંધકોને મુક્ત કરાવ્યા હતા. 

મોરબીમાં કોલસાનો વેપાર કરતા મીનલભાઈ પંજાબમાં લવદીપસિંહને કોલસો સપ્લાય કરતા હતા. ઇંટોના ભટ્ઠા ચલાવતા લવદીપસિંહે ૨૦૦ ટન કોલસાનો ઓર્ડર આપી ૧૫ લાખ એડવાન્સમાં મોકલાવી દીધા હતા. ત્યારબાદ લવદીપસિંહે મીનલકુમારને વધુ કોલસાનો જથ્થો જોઈતો હોવાનું જણાવી રૂબરૂ મીટીંગ માટે બોલાવ્યા હતા. ગત તા.11મીએ મીનલકુમાર તેમના તેમના મિત્ર દિપક તથા બીપીન અને ડ્રાઈવર મણીલાલ સાથે અમૃતસર પહોચ્યા હતા. જ્યાં લવદીપસિંહ તેના બે સાગરીતો સાથે મળ્યો હતો. લવદીપસિંહે ગન બતાવી ત્રણેયને અમૃતસર નજીક આવેલા પોતાના ગામ સારંગવાલ લઇ ગયો. જ્યાં મીનલ સહીત ચારેયના હાથ પગ બાંધીને માર માર્યો હતો અને મીનલને પોતાના પરિવારજનોને ફોન કરીને તાત્કાલિક પંદર લાખ મોકલવા જણાવ્યું હતું નહીતર પેટ્રોલ છાંટીને ચારેયને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.

મીનલનો આ રીતે ફોન આવતા મોરબી રહેલા તેના પરિવારજનો ગભરાઈ ગયા હતા. બીજી તરફ વારંવાર આ રકમ બેંક એકાઉન્ટમાં જમા કરાવવા માટેના ફોન આવતા તેમણે મોરબી એલસીબીને જણાવ્યું હતું. મોરબી પોલીસે અપહરણકર્તાનો આઈસીઆઈસીઆઈ બેંકનો એકાઉન્ટ નંબર ચેક કરાવતા લવદીપસિંહની વિગતો મળી હતી. આ વિગતો મોરબી પોલીસે અમૃતસર પોલીસને મોકલી આપતા અમૃતસરના એએસપી પરમપાલસિંહે ટીમ મોકલી ચારેય બંધકોને છોડાવ્યા હતા અને લવદીપસિંહ અને તેના બે સાગરીતોને દબોચી લીધા હતા.