મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળી રહી છે જીલ્લાના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ટળખળાટ મચાવતા ચોર તસ્કરોને પકડવામાં નિષ્ફળ રહેલી પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે માંડ માંડ ચોરીના ગુનોમાં સંડોવાયેલા બે આરોપીને પકડવામાં સફળ રહેલી મોડાસા રૂરલ પોલીસ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવતા કસ્ટડીમાં રહેલા ૨ આરોપીઓ શનિવારે રાત્રે પોલીસની નજર સમક્ષ લોકઅપમાં રહેલા બે આરોપીઓ લોકઅપના શૌચાલયની લોખંડની જાળી તથા સળિયા તોડી ફરાર થઈ જતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી ઉચ્ચ અધિકારીઓ મોડાસા ગ્રામ્યપોલીસ સ્ટેશને દોડી આવી ૫ ટીમો બનાવી ઠેર ઠેર નાકાબંધી કરવાની સાથે શોધખોળ હાથધરી હતી.

મોડાસા રૂરલ પોલીસે ઈપીકો કલમ-૩૭૯, ૧૧૪ ના ગુનોમાં ઝડપાયેલા ૧) rajubhai હીરાભાઈ કાલબેલિયા (ઉં.વર્ષ-૨૪) રહે, મડીકપુરા ઉદેપુર (રાજ) અને ૨) મુકેશ મોંગીલાલ જોગી (ઉં.વર્ષ-૨૦) રહે, કપાસણ, ચિતોડગઢ (રાજ) ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ૨૫ માર્ચ સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા બંને આરોપીઓની વધુ પૂછપરછ માટે રૂરલ પોલીસે લોકઅપમાં રાખતા શનિવારે રાત્રીના સુમારે પોલીસને ઉંઘતી રાખી બંને આરોપીઓએ લોકઅપમાં રહેલા શૌચાલયની જાળી અને લોંખડના સળિયા તોડી અડધા ફૂટ જેટલી જગ્યામાંથી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. “ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા” મારવાનો વારો આવ્યો હતો.

આ ચકચારી બનાવને પગલે ડી.વાય.એસ.પી. ફાલ્ગુનીબેન પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે દોડી આવ્યો હતો અને નાસી છૂટેલા બંને આરોપીઓને ઝડપી પાડવા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, રૂરલ પોલીસ સહીત ૫ ટીમો બનાવી ચોતરફ નાકાબંધી કરી સ્થાનિક તેમજ આસપાસના પંથકોમાં તેની શોધખોળ હાથ ધરી છે.

અરવલ્લી જીલ્લામાં ખાખી વર્દી સામે અનેક ડાઘ લાગ્યા છે. શામળાજી પોલીસસ્ટેશનની હદમાંથી વિદેશી દારૂની લૂંટ થતા પીએસઆઇ સહીત ૨ પોલીસ કર્મચારીઓનો ભોગ લેવાયો હતો, ત્યારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલા બે આરોપીઓ ફરાર થઈ જવાની ચકચારી ઘટનાના પગલે પોલીસ અધિકારી સહીત જવાબદાર પોલીસકર્મીઓનો ભોગ લેવાશે કે નહીં તેવી ચર્ચા પોલીસબેડામાં વ્યાપી હતી.