મેરાન્યૂઝ નેટવર્ક.મહેસાણાઃ ગુજરાતના પૂર્વ ઉદ્યોગ પ્રધાન અનિલ પટેલનું નિધન થયું છે. મહેસાણા જિલ્લામાં શૈક્ષણિક તેમજ સામાજીક કાર્યોમાં તેમણે ઘણા કામો કર્યા છે. તેમના નિધનથી સ્વજનોમાં શોકની લાગણી પ્રવર્તિ ગઈ છે. તેમના અંતિમ દર્શન ગણપત યુનિ. ખેરવાના કેમ્પસમાં રાખવામાં આવ્યા હતા. બપોરના સમયે તેમના અંતિમ દર્શન બાદ તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે. અનિલભાઈ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા હતા. તેમની સારવાર પણ ચાલતી હતી. દેશ દુનિયાની સારી હોસ્પિટલ્સમાં તેમની સારવાર ચાલતી હતી. અનિલ પટેલનો જન્મ પાટણ જિલ્લાના લણવા ગામે 8 માર્ચ 1944એ થયો હતો. તે 11 વર્ષના હતા તે સમયે એમના પિતાની ત્રિભોવનદાસ પટેલની ઢોર ચોરી મામલે અવાજ ઉઠાવતા હત્યા થઈ હતી. જેથી તેમના પિતા શહીદ વીર તરીકે ઓળખાયા હતા. કુટુંબના સહયોગથી માતાએ તેમનો ઉછેર કર્યો હતો.

અનિલ પટેલે તેમનું પ્રાથમિક શિક્ષણ લણવા ગામે મેળવ્યું હતું., માધ્યમિક શિક્ષણ શિક્ષક કડી સર્વ વિદ્યાલય માંથી મેળવ્યું હતું અને એન્જિનિયરિંગનો અભ્યાસ વલ્લભવિદ્યાનગર કર્યો હતો. એન્જિનિયરમાં માસ્ટર એમ ટેક કરવા તેઓ અમેરિકા ગયા હતા. તેઓએ વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતા સમયે શિક્ષણનગરી ઊભી કરવાનું સપનું જોયું જે પૂરું કરવા અમેરિકા નોકરી કરવા ગયા બાદ પણ નોકરી છોડી પરત આવ્યા હતા. મહેસાણાને કર્મ ભૂમિ બનાવી મહેસાણા આવી અનિલ પટેલે ઉદ્યોગ શરુ કર્યો હતો અને સમાજ સેવાની પણ શરૂઆત કરી હતી. 38 વર્ષની ઉંમરે તેઓ મહેસાણા નાગલપુર કોલજના મેનેજીંગ ટ્રસ્ટી બન્યા હતા. તેઓ ગણપત યુનિવર્સીટી ઉભી કરવામાં સ્થાપક સંવર્ધક બન્યા હતા.