મેરાન્યૂઝ નેટવર્ક. જામનગર ઃ જામનગરમાં કોળી અને ભોઇ જ્ઞાતિ વચ્ચે ચાલી રહેલા વેમનસ્વમાં આજે કોળી જ્ઞાતિના લોકોએ ભોઇ જ્ઞાતિના આગેવાન અને તાજેતરમાં જ શહેરના મેયર બનેલા હસમુખભાઇ જેઠવાને નિશાન બનાવી તેની સામે વિરોધ દર્શાવતી જંગી રેલી કાઢી જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જામનગરમાં ગત હોળીના તહેવારથી ભોઇ અને કોળી જ્ઞાતિના જૂથો વચ્ચે તકરાર ચાલે છે. મારામારી, આગજની, હત્યા પ્રયાસની ઘટનાઓ બની છે અને સામસામી પોલીસ ફરિયાદો પણ થઇ છે. 

આજે જામનગર જિલ્લા કોળી સેનાના પ્રમુખ જીતેશ શિંગાળાની આગેવાની હેઠળ આજે કોળી જ્ઞાતિના લોકોની એક જંગી રેલી નીકળી હતી. સાત રસ્તાથી શરૂ થયેલી રેલી જિલ્લા પંચાયત, લાલ બંગલા, ગુરૂદ્વારા થઇ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી હતી.

આ રેલીમાં જોડાયેલી મહિલાઓએ હાથમાં પ્લેકાર્ડ રાખ્યા હતા જેમાં મેયર હસમુખ જેઠવા સામે અસામાજિક તત્વોને પ્રોત્સાહન, પીઠબળ આપતા હોવાના લખાણ લખ્યા હતા. જિલ્લા પોલીસ વડાની કચેરીએ કોળી સેનાના આગેવાનોએ એક આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં મેયર હસમુખ જેઠવા સામે ગુન્હાહીત પ્રવૃતિ કરતા હોવાનો આક્ષેપ કરી ધોરણસર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ આવેદનપત્રમાં અગાઉના બનાવોનો પણ ચિતાર રજુ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં કોળી જ્ઞાતિના ભાઇ-બહેનો જોડાયા હતા.