મેરાન્યૂઝ નેટવર્ક,વડોદરા: શહેરના ન્યૂ વી.આઇ.પી રોડ પર આવેલા ખોડીયાર નગર ખાતે આજે બપોરેના સમયે અચાનક એક વ્યક્તિએ પોતાની જાતે જ શરીર ઉપર પેટ્રોલ છાંટી મોતને વ્હાલું કરવાની કોશિષ કરી હતી. પરંતુ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મીઓનુ ધ્યાન પડતા તાત્કાલીક ફોમનો મારો ચલાવી પેટ્રોલ છાંટી સળગી રહેલા વ્યકિતને બચાવી લીધો અને તાત્કાલીક સારવાર માટે 108 મારફતે તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મળતી માહિતી અનુસાર, શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા છપ્પન ક્વાર્ટસમાં રહેતા 40 વર્ષીય શૈલેષ માછી જેઓ પરણિત છે અને તેના પરિવાર સાથે રહે છે. આજે બપોરે 1-30 વાગ્યાની આસપાસ શૈલેષ માછી ન્યૂ વી.આઇ.પી. રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પમ્પની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં પોતાની ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી. જોકે, શરીર સળગતાની સાથે જ તેણે બુમરાણ મચાવવાનું શરુ કરી દીધુ હતુ. જેથી રસ્તા પરથી પસાર થતા રાહદરીઓ તેમજ નજીકમાં આવેલા પેટ્રોલ પમ્પ ઉપર કામ કરતા કર્મીઓ દોડી આવ્યાં હતા. જ્યાં શૈલેષ માછી ઉપર ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.  જોકે, શૈલેષ માછીનું અડધા ઉપર શરીર સળગી જતા તેને તાત્કાલીક સારવાર માટે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલના તાત્કાલીક વિભાગમાં તેની સારવાર હાથ ધરવામાં આવી છે. જોકે, શૌલેષની પત્નીની કોઇ શખ્સે છેડતી કરતા તેને લાગી આવ્યું હતુ અને તેનાજ કારણે તેણેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનુ હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસે ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.