અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): પરશુરામ જયંતિના જાહેર રજાના દિવસે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ નર્મદા હોલમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના તમામ કલેક્ટર અને ડીડીઓની કોન્ફરન્સ બોલાવી હતી. જોકે કોન્ફરન્સ શરૂ થતાં પહેલા જિલ્લા કલેક્ટર, ડીડીઓની સાથે સચિવાલયના અલગ અલગ વિભાગના ઉચ્ચ સનદી અધિકારીઓને પણ તેમના મોબાઈલ ફોન બહાર મુકીને જ નર્મદા હોલમાં આવવાની સૂચનાઓ અપાઈ હતી. મોબાઈલ ફોન બહાર મુકીને હોલમાં પ્રવેશવાના આદેશના સનદી અધિકારીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને અધિકારીઓમાં ગણગણાટ પણ શરૂ થયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુખ્યમંત્રી હતા ત્યારે આવા પ્રકારના આદેશો થતા ન હતા.

ગાંધીનગરના જમીન વિકાસ નિગમ કચેરીમાં એસીબીએ અઠવાડિયા અગાઉ દરોડો પાડતા લાખો રૂપિયાની રોકડ અને બેનામી સંપત્તિ ધરાવતા અધિકારીઓ પર ઘોંસ બોલાવી હતી. સરકારી કચેરીમાંથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર હાથ લાગ્યા બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ તાત્કાલીક રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓની કોન્ફરન્સ બોલાવી હતી. આ કોન્ફરન્સ ગત બુધવારે પરશુરામ જયંતિના દિવસે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં આવેલા નર્મદા હોલમાં રાખવામાં આવી હતી. કોન્ફરન્સમાં સરકારની વેલ્ફેર સ્કીમને જરૂરિયાત મંદો સુધી પહોંચાડવા અને તેમને મદદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

જોકે આ કોન્ફરન્સ શરૂ થતાં પહેલા જ તમામ અધિકારીઓને તેમના મોબાઈલ ફોન નર્મદા હોલની બહાર જ મુકી પછી જ અંદર આવવાની સૂચનાઓ અપાઈ હતી. જેનો કેટલાક અધિકારીઓએ વિરોધ પણ કર્યો હતો, પરંતુ મુખ્યમંત્રીની સૂચના હોવાથી અધિકારીઓ પણ કમને ફોન બહાર મુકીને અંદર પ્રવેશ્યા હતા. કેટલાક અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, મુખ્યમંત્રીને અધિકારીઓ પર હવે વિશ્વાસ રહ્યો નથી. સરકારને એવું લાગી રહ્યું છે કે કોન્ફરન્સની અંદરની વાતોનું રેકોર્ડીંગ અધિકારીઓ બહાર જાહેર કરી નાખશે તો...