મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતું  ખોડલધામ ટ્રસ્ટ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. થોડા સમય પૂર્વે નરેશ પટેલના રાજીનામાંએ સર્જેલા વિવાદ બાદ હવે પ્રમુખ પરેશ ગજેરાએ રાજીનામું આપ્યાનું સામે આવ્યું છે. પરેશ ગજેરાએ અચાનક રાજીનામું આપતા પ્રમુખ પદની જવાબદારી પણ નિવૃત થવા ઇચ્છતા નરેશ પટેલ પર આવી પડી છે. આજે ખોડલધામ ખાતે યોજાયેલી મિટિંગમાં જ પરેશ ગજેરાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યુ છે.

થોડા સમય પહેલા નરેશ પટેલના રાજીનામાએ વિવાદ સર્જી દીધો હતો. ત્યારે આજે ફરી પરેશ ગજેરાના રાજીનામાએ ચર્ચા જગાવી છે. જો કે હાલ પરેશ ગજેરા અને નરેશ પટેલે ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે. તેમજ અન્ય ટ્રસ્ટીઓ કશુ ન જાણતા હોવાનું રટણ કરી રહ્યા છે. પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધુ છે. અને નરેશ પટેલે ફરી પ્રમુખપદ સાંભળ્યું છે. ત્યારે ખોડલધામ ફરીથી આંતરિક રાજકારણનો ભોગ બન્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ અંગે નરેશ પટેલે કહ્યું કે, આજે ટ્રસ્ટની મિટિંગ મળી હતી અને પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે. ખોડલધામના પ્રમુખ બન્યા બાદ પરેશ રાજકોટ બિલ્ડર એસોશિયેશન અને ક્રેડાઈના પ્રમુખ બન્યા હતા. તેને અવારનવાર કામકાજ માટે બહાર રહેવાનું થતું હતું અને વ્યસ્તતાને કારણે પરેશે રાજીનામું આપ્યું છે. ખોડલધામમાં કોઈ વાદ કે વિખવાદ નથી. સમાજનું કામ બહું મોટું છે. પરેશને પ્રમુખ મેં જ બનાવ્યો હતો. આગામી દિવસમાં કોઈ યુવાનને તૈયાર કરી પ્રમુખ બનાવીશું. ઉલ્લેખનીય છે કે, હાલ નરેશ પટેલ કાર્યકારી પ્રમુખ તરીકે રહેશે.