મેરાન્યૂઝ નેટવર્ક.ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ 18 વર્ષ પૂર્વે શિક્ષક પાસેથી લીધેલી 500 રૂપિયાની લાંચમાં સ્થાનિક કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા ફટકારી છે.

હાલારમાં ટોક ઇન પોઇન્ટ બનેલા કોર્ટના ચુકાદાની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામે રહેતા અને સલાયા તાલુકા શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ મોહનભાઇ પરમાર સહિતનાઓને સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ નવ વર્ષે ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર હોય, જેઓના પગારની ગણતરી કરી મળતા પગાર અને ઉચ્ચતર પગારના તફાવત મુજબના નાણાં ચુકવવા માટે જે તે શાળાના આચાર્ય બીલ બનાવી સબંધકર્તા તાલુકા પંચાયતમાં બીલ મોકલવાનું હોય તે બીલ મંજુર થયે તે રકમનો ચેક જે તે શાળાને મોકલી આપવાનો હોય અને બીલ મુજબની રકમ જે તે શિક્ષકને ચુકવવાની હોય છે. તે મુજબ રમેશભાઇના તફાવતની પગારબીલની રકમ રૂા.18,530-00 થતી હોય રમેશભાઇને તે તફાવતના બીલની રકમના પૈસાની વતનમાં જવા માટે જરૂર હોય જેથી રમેશભાઇએ ખંભાળિયા તાલુકા પંચાયતના જે તે વખતના નાયબ હિસાબનીશ ગુણવંતરાય હંસરાજ જેઠવાને બીલ તાત્કાલીક મંજુર કરવા જણાવતા જેઠવાભાઇ તે માટે વ્યવહાર કરવો પડે તેમ કહેતા બીલના પાંચ ટકા આપવા પડે તેમ જણાવી રૂા.900 માંગતા રૂા.400 રોકડા આપ્યા અને બાકી રૂા.500 આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. દરમિયાન તા.12મી મે 2000ના રોજ એસીબી દ્વારા છટકુ ગોઠવી સરકારી બાબુને લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હતો.

દરમિયાન આ કેસ ચાલી જતાં ખંભાળિયા સેસન્સ કોર્ટે દસ્તાવેજી પુરાવાઓ, અન્ય કોર્ટના ચુકાદાઓ અને વકિલની દલીલના આધારે આરોપી નાયબ હિસાબનીશ ગુણવંતરાય જેઠવાને લાંચ રૂશ્વત ધારાની કલમ 7 મુજબ છ માસની સખત કેદની સજા અને રૂા.1000 દંડ, દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા તથા કલમ 13 મુજબ એક વર્ષની સખત કેદની સજા અને રૂા.1000 દંડ જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.