મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ બ્યુરોએ ચરસના જથ્થા સાથે શકીલ નામના શખ્સની ધરપકડ કરી હતી. બાદમાં શકીલે વધુ જથ્થો રાજકોટના મહેબૂબને આપ્યો હોવાનું કબૂલ કરતા પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી 4 આરોપીઓને ઝડપી પાડી 8 કિલો અને 200 ગ્રામ ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો. ત્યારબાદ પોલીસે મહેબુબ ઠેબા, ઇલ્યાસ હારૂન સોરા, જાવેદ ગુલમહમદ દલ તેમજ રફીક ઉર્ફે મેમણ હબીબ લોયાને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

આ રિમાન્ડ દરમિયાન રાજકોટ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. તેમાં સામે આવ્યું હતું કે,  મુખ્ય સૂત્રધાર મહેબૂબ જમ્મુ કાશ્મીરના યાકુબખાન પાસેથી 1 કિલો ચરસ રૂપિયા 1 લાખમાં મંગાવીને તેનું વેચાણ રાજકોટ અને મોરબીના 15 જેટલા શખ્સોને કરતો હતો. જેમાં મોટાભાગે સાધુ અને ફકીર હોવાની અને 10 ગ્રામની ચરસની ગોળી બનાવી તેનું વેચાણ 2000 રૂપિયામાં કરાતું હોવાની કબૂલાત પણ આરોપી દ્વારા આપવામાં આવી છે.

આ ઉપરાંત અગાઉ પણ મહેબુબ ઠેબાએ બે વખત ચરસની ખરીદી કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં વેંચાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યુ છે. આરોપી મહેબુબને અમદાવાદ નાર્કોટીક્સ વિભાગે પકડેલો આરોપી શકીલ મારફત સપ્લાય કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. આ પહેલા ઠેબાને જૂનાગઢના પટેલબાપુ દ્વારા કરવામાં આવી હતી. જેની થોડા સમય પહેલા જ જમ્મુ-કાશ્મીર પોલીસે ચરસના જથ્થા સાથે ધરપકડ કરી હોઈ હાલમાં જેલવાસ ભોગવી રહ્યો છે. ત્યારે પોલીસ અને નાર્કોટેક્સ બ્યુરો દ્વારા જમ્મુ કશ્મિરના યાકુબને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભક્તિનગર પોલીસના પીઆઈ વિરલ ગઢવીએ જણાવ્યા મુજબ, નશાના સોદાગરો આ ગોરખધંધામાં પોલીસ પકડથી દૂર રહેવા માટે ખાસ કોર્ડવર્ડનો ઉપયોગ કરતા હતા. જેમાં ચરસની બદલે કપડાં શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને માલની લેતી દેતી સમયે કપડાં નિકલ ગયા હે, કપડાં મિલ ગયા હે તેવી રીતે વાત કરવામાં આવતી હોવાનું પણ તેમણે કહ્યું હતું. ત્યારે હવે જમ્મુ કાશ્મીરના આરોપી યાકુબ મેમણને પકડવામાં પોલીસને સફળતા મળે છે કે કેમ તે જોવું રહ્યું.