મેરાન્યૂઝ નેટવર્ક, હૈદરાબાદ: હૈદરાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસિમાનંદ સહિતના આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયાના કલાકો બાદ જ આ ચુકાદો આપનાર સ્પેશ્યલ એનઆઇએ કોર્ટના જજ રવિંદર રેડ્ડીએ રાજીનામુ આપી દેતા રાજકારણ ગરમાયુ છે.

એક વરિષ્ઠ ન્યાયિક અધિકારીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે જજ રવિંદર રેડ્ડીએ મેટ્રોપોલિટન સત્ર ન્યાયાધીશને પોતાનુ રાજીનામુ સોંપ્યુ છે. રેડ્ડીએ પોતાનું રાજીનામુ અંગત કારણોસર આપ્યું હોવાનું અને આજે આપેલા ચુકાદા સાથે તેને કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું છે. તેમણે પોતાના રાજીનામામાં જણાવ્યુ છે કે તેઓ ઘણા સમયથી રાજીનામુ આપવા વિચારતા હતા.

આ સમગ્ર ઘટનાક્રમ અંગે AIMIM ચીફ અને હૈદરાબાદથી સંસદસભ્ય અસરુદ્દીન ઔવેસીએ જજના રાજીનામા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ઓવૈસીએ ટ્વિટ કર્યું કે જે જજે મક્કા મસ્જિદ બ્લાસ્ટના બધા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા તેમણે અચાનક રાજીનામુ આપી દીધુ. હું તેમના આ નિર્ણયથી આશ્ચર્યમાં છું.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે 11 વર્ષ જૂના કેસમાં આજે સોમવારે ચુકાદો આપતા સ્વામી અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા. આ કેસમાં અસીમાનંદ પણ મુખ્ય આરોપી હતા. બચાવ પક્ષના વકીલ જેપી શર્માએ જણાવ્યું હતું કે જજે પોતાના ચુકાદામાં કહ્યું છે કે ફરિયાદી પક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાંથી એક પણ આક્ષેપ પુરાવાના આધારે સાબિત થતો નથી તેથી તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવે છે.

18 મે 2007ના રોજ હૈદરાબાદની મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા હતાં જ્યારે 58 લોકો ઘાયલ થયા હતાં. આ કેસમાં દસમાંથી આઠ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.