મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં થયેલ હત્યા મામલે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ મનિષા ગોસ્વામી, શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉની પોલીસે અટકાયત કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગત સોમવાર મધરાત્રે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સુરતની યુવતી મનિષા ગોસ્વામી સાથેની સેક્સ સીડી મામલે ચર્ચામાં રહેલા જયંતિ ભાનુશાળીની ભૂજથી મુંબઇ જતી સયાજીનગર એક્સપ્રેસમાં ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. શાર્પ શૂટર્સ દ્વારા જયંતિ ભાનુશાળીને આંખ અને છાતીના ભાગે ગોળી મારી હત્યા કરાયા બાદ ચેઇન પુલિંગ કરી ટ્રેન અટકાવી તેઓ રોડ માર્ગે ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મામલે જયંતિ ભાનુશાળીની સામેની સીટ પર રહેલા મુસાફર પવન નામના શખ્સની સઘન પૂછપરછ તથા કોચ અટેન્ડ્ટ્સ પૂછપરછ કરી હતી. જેમાં તેમણે હત્યારાઓ ભાગ્યાની વિગતો અને તેઓના દેખાવ અંગે માહિતી હતી. જેના આધારે પોલીસની ખાસ ટીમ દ્વારા સીસીટીવી અને મોબાઇલ લોકેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં પોલીસને માહિતી મળી હતી કે આ હત્યા પાછળ મનિષા ગોસ્વામી અને પુનાના શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉનો હાથ છે. પોલીસે શુક્રવારે મોડી સાંજે મનિષા ગોસ્વામીને કચ્છથી તથા ટ્રેનમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરનાર શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા છે. જો કે પોલીસે આ ત્રણેયની સત્તાવાર ધરપકડ થઇ હોવાની વાતને સમર્થન નથી આપ્યું.પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે ત્રણેય આરોપીઓએ ભાનુશાળીની હત્યા કેમ કરી, તેમાં બીજુ કોણ કોણ સંડોવાયેલુ છે વગેરે બાબતો અંગે પૂછપરછ હાથધરી છે.