મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર શહેરમાં મોબાઈલ ચોરી કરનાર ઇસમેં તરખાટ મચાવ્યો હોય અને ભીડભાડ વાળા સ્થળોએ લોકોના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેવાની બની રહેલી ઘટનાઓને પગલે એલસીબી ટીમે ચલાવેલી તપાસમાં આખરે મોબાઈલ ચોરી કરતા ઈસમને દબોચી લેવાયો હતો અને ૧૯ મોબાઈલ ચોરીના ગુન્હાના ભેદ ઉકેલવામાં એલસીબી ટીમને સફળતા મળી છે.

જામનગર શહેરના રહેવાસી ફરીયાદી બબુભિયા સગર, નિતેશભાઈ પરમાર અને મુકેશભાઈ ચૌધરી દ્વારા મોબાઈલ ચોરી અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરતો એક ઇસમ ભીડનો લાભ લઈને મોબાઈલમાંથી મોબાઈલ ચોરી કરતો હોય જેને ઝડપી લેવા LCB પી.આઈ. રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળની ટીમે સઘન પેટ્રોલિંગ કરી તપાસ ચલાવી હતી. જેમાં જામનગરના ખંભાળિયા નાકા નજીક અગાઉ લૂંટના ગુન્હામાં ઝડપાયેલ ઇસમ શબીર ઉર્ફે માઈકલ ઉમરભાઈ ખફી સુમરા રહે. જામનગરવાળો ભીડભાડ વાળી જગ્યાએ ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી કરતો હોવાની બાતમીને આધારે આરોપી ખંભાળિયા નાકે આવેલ દુકાને મોબિલ ફોન વેચવા આવ્યો હોય જેને દબોચી લઈને આરોપી પાસેથી ૧૯ મોબાઈલ કીમત રૂ. ૬૭,૦૦૦ મળી આવતા મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે. ઝડપાયેલો આરોપી અગાઉ લૂંટના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોય તેમજ છેલ્લા દોઢ વર્ષમાં આરોપીએ ૧૫ લોકોને શિકાર બનાવ્યા હતા અને ૧૯ મોબાઈલની ચોરી કરવામાં આવી હતી. જામનગર શહેરના કાલાવડ નાકા, દરબાર ગઢ, વિક્ટોરિયા પુલ નીચે ભરાતી ગુજરી બજાર સહિતના ભીડવાળા સ્થળોએ છેલ્લા દોઢ વર્ષમાં ૧૫ લોકોને શિકાર બનાવી ૧૯ મોબાઈલ ચોરી કરવામાં આવ્યા હતા. એલસીબી ટીમે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.