મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર જીલ્લાના કાલાવડમાં થયેલી હત્યા અંગેનો કેસ એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સેશન્સ કોર્ટે મિત્રની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ આર્મ્સ એક્ટમાં પણ ત્રણ વર્ષની કેદ ઉપરાંત દંડ ફટકારવામાં આવ્યો છે.

કાલાવડ સીટીમાં વર્ષ ૨૦૧૪ માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં વહેલી સવારના સમયે અરમાન નામનો ૨૫ વર્ષનો યુવાન અને આરોપી ગુલાબશા ગીગાશા ફકીર રહે. બંને કાલાવડવાળા પાનની દુકાને મળ્યા બાદ બોલાચાલી થતા આરોપી ગુલાબશા ફકીરે તેના મિત્ર અરમાનને ગોળી ધરબી દઈને હત્યા નીપજાવી હતી. જે મામલે જામનગર પાંચમાં એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને પુરાવાઓને આધારે આરોપીને કસુરવાન ઠેરવ્યો છે અને આરોપી સામે કલમ ૩૦૨ મુજબ નોંધાયેલા ગુન્હા અન્વયે તેને આજીવન કેદની સખત સજા તથા ૫૦૦૦ રૂપિયાનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે અને જો આરોપી દંડની રકમ ના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત હત્યામાં બંદુકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય જે મામલે આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧) બીએ અને ૨૫ (૧) ૧ સી મુજબ ગુન્હામાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને ૧૦૦૦ રૂપિયા દંડ તથા જો આરોપી દંડની રકમ ના ભરે તો વધુ ૧૫ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરાયો છે. હત્યા કેસમાં ઝડપાયેલા આરોપી સામે કલમ ૩૨૩ અને ૩૨૪ તથા જીપી એક્ટની ૧૩૫ (૧) મુજબ નોંધાયેલા ગુન્હામાં આરોપીને નિર્દોષ ઠરાવવામાં આવ્યો હતો તો આરોપી જેટલો સમય કાચા કામના કેદી તરીકે જેલમાં રહ્યો હોય તેટલો સમય મજરે આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.