મેરાન્યૂઝ નેટવર્ક. જામનગરઃ જામનગર સ્થિત ઇન્ડીયન એરફોર્સનું ચિત્તા હેલીકોપ્ટરને મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી જવા પામી છે. ચિત્તા નામના હેલીકોપ્ટરમાં ટેકનીકલ ફોલ્ટ સર્જાયો હતો અને પાયલોટે સમયસુચકતા વાપરીને ગામની એક વાડીમાં ઈમર્જન્સી લેન્ડીંગ કરવાને પગલે દુર્ઘટના ટળી જવા પામી છે.

જામનગર તાલુકાના ફલ્લા નજીક આવેલા નાની લાખાણી ગામની એક વાડીમાં એક હેલીકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. જામનગર એરફોર્સનું ૨ સીટર ચિત્તા હેલીકોપ્ટર ઉડાન ભરી રહ્યું હતું. ત્યારે અચાનક ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જેના પગલે હેલીકોપ્ટરના પાયલોટે સમયસુચકતા વાપરીને લાખાણી ગામની સીમમાં એક વાડીમાં જ ઈમરજન્સી લેન્ડીંગ કર્યું હતું. જેને પગલે દુર્ઘટના સહેજમાં ટળી હતી. બાદમાં જામનગર એરફોર્સને જાણ કરવામાં આવતા અન્ય હેલીકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું અને ટેકનીકલ ખામી દુર કરવામાં આવ્યા બાદ ચિત્તા હેલીકોપ્ટર ઉડાન ભરી ગયું હતું. આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે ચિત્તા હેલીકોપ્ટરમાં પાયલોટ અને કો પાયલોટ સવાર હતા અને અચાનક સર્જાયેલી ખામી બાદ તુરંત પાયલોટે ઈમર્જન્સી લેન્ડીંગ કરાવ્યું હતું. જેથી કોઈ દુર્ઘટના સર્જાઈ ના હતી. બીજી તરફ નાના એવા ગામમાં ઈમર્જન્સી લેન્ડીંગને પગલે ગ્રામજનોના ટોળા વળ્યા હતા. ખામી દુર થયા બાદ હેલીકોપ્ટરે ઉડાન ભરતા ગ્રામજનોએ અલવિદા કહી ખુશીથી હાથ ઊંચા કર્યા હતા.