મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરના પૂર્વ સાંસદ અને જીલ્લા ભાજપના અધ્યક્ષ ચંદ્રેશ પટેલની પુત્રવધુએ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા સસરા અને તેના પતિ સહિતના પરિવારના ડરથી પોલીસ સમક્ષ વધુ એક અરજી કરી પોલીસ રક્ષણની માંગણી કરી છે. પતિ સાથે વિખવાદ થયા બાદ પતિ અને પૂર્વ સાંસદ સસરાએ પોતાને મારી નાખવા કારસો રચ્ચ્યા અંગેની ઓડિયો મીડિયા સમક્ષ મૂકી ન્યાયની માંગણી કરી હતી. ત્યારબાદ તેણી અને તેના પુત્રને નડેલા અકસ્માતમાં પણ સસરા પક્ષનો હાથ હોવાના આક્ષેપ લગાવ્યા હતા. છતાં પણ પોલીસ રક્ષણ નહીં મળતા આજે પૂર્વ સાંસદની પુત્ર વધુએ વધુ એક અરજી કરી પોલીસ રક્ષણની માંગણી કરી છે.

ભાજપના પાંચ વખતના જામનગરના પૂર્વ સાંસદ રહી ચૂકેલ ચંદ્રેશ પટેલના સૌથી મોટા પુત્ર હિતેશ અને તેની પત્ની વચ્ચે વિખવાદ થયો હતો. પ્રેમલગ્ન કર્યા બાદ રાજકીય કારકિર્દી ધરાવતા પિતાથી અલગ રહેતા પુત્રને પત્ની સાથે થયેલા વિખવાદને લઈને પિતા સમક્ષ સમગ્ર વાત મૂકી હતી. આ કથિત વાતચીતનો ઓડિયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં પરિણીતા દિવ્યાબેનને કઈ રીતે પતાવી દેવી તે અંગે પૂર્વ સાંસદ અને તેના પુત્ર વચ્ચે વાતચીત થતી હોવાનો તેની જ પુત્રવધુએ દાવો કર્યો હતો.

આ ટેપ મીડિયા સમક્ષ મુક્તા પૂર્વે દિવ્યાબેને પોલીસમાં અરજી કરી હતી, પરતું પોલીસે તપાસ નહીં કરતા સમગ્ર પ્રકરણ મીડિયામાં ઉજાગર થયું હતું. બીજી તરફ આ ટેપની સત્યતા સામે પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલે સવાલો કર્યા હતા. આ ઘટનાના સપ્તાહ બાદ જ તેની પુત્રવધુ દિવ્યાબેન અને તેના પુત્ર હિતને જામનગરમાં જ કોઈ અજાણ્યા બાઈક ચાલકે ઠોકર મારી હતી. આ અકસ્માત પોતાના પૂર્વ સાંસદ સસરાએ કર્યો હોવાનો તેણીએ વધુ એક આક્ષેપ લગાવી ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી. છેલ્લા ચાર દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થતા દિવ્યાબેને આજે મહિલા પોલીસમાં વધુ એક અરજી કરી પોતાના સસરા પક્ષ તરફથી જીવનું જોખમ હોવાનો ભય દર્શાવી પોલીસ રક્ષણની માંગણી કરી હતી. પરિણીતાની પૂર્વ સાંસદ સામે વધુ એક અરજીને લઈને હાલ જામનગરમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.