મેરા ન્યૂઝ નેટવર્ક, જામનગર: દારૂ અને જુગાર એવા દુષણ છે જેના પર કોઈ વર્ગનો ઇજારો નથી આ દુષણો ગરીબો અને અમીરોમાં પણ જોવા મળે છે તો વળી સામાન્ય નાગરિક હોય કે મહાનુભવના પરિવારમાં જન્મેલા નબીરાઓ પણ આવા દુષણમાં સપડાયા હોવાના કિસ્સા છે, આજે જામજોધપુર નજીક RR CELL ટીમે કરેલા દરોડામાં વાસમોના ડિરેકટરના પુત્ર સહિતના પાંચ પત્તા પ્રેમીઓને રૂ.૧.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા છે.

જામનગર જિલ્લાના જામજોધપુર-ધ્રાફા રોડ પરના ખેતીની જમીનની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે રાજકોટ રેન્જની ટીમે દરોડો કરી વાડીના માલિક જયદીપ અમુભાઈ વૈષણાની (ઉ.વ. ૩૨), શૈલેષ જમનાદાસ કાલરીયા (ઉ.વ.૫૦) , રાકેશ રામજી બકોરી (ઉ.વ. ૪૮) , ભાવિનકુમાર નાનજી સવાણી (ઉ.વ.૪૫), અને રસિક દામજી ખાંટ (ઉ.વ. ૬૨) એ પાંચ પત્તાંપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ. ૨૨,૩૮૦, ૫ મોબાઈલ કિંમત રૂ. ૨૩,૫૦૦ અને ત્રણ મોટરસાયકલ કિંમત રૂ. ૬૫,૦૦૦ મળીને કુલ રૂપિયા ૧,૧૦,૮૮૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાડીની  ઓરડીમાં જુગારધામ ચલાવનાર જયદીપ વૈષણાની વાસમોના ડિરેકટર અમુભાઈનો પુત્ર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તેમજ અમુભાઈ પૂર્વ મંત્રી અને ભાજપના નેતા ચીમનભાઈ સાપરિયાના નજીકના હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આ હાઈ પ્રોફાઈલ જુગારધામમાં દરોડાની વાત પણ વાયુવેગે પ્રસરી હતી.