પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારીઓ ફરી એક વખત ફેરબદલ થાય તેવી કવાયત રાજયના ગૃહ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. સુત્રોની જાણકારી પ્રમાણે અમદાવાદના પોલીસ કમિશનર અનુપકુમાર સિંગના સ્થાને ગુજરાત સીઆઈડી ક્રાઈમના વડા અને ડીજીપી આશિષ ભાટિયાને મુકવામાં આવે તેવી સંભાવના છે. સંભવત આ ફેરબદલ દિવાળીની આસપાસ થવાની સંભાવના છે.

સ્વભાવે શાંત અને સૌમ્ય આશિષ ભાટિયા મક્કમ મનના પોલીસ અધિકારી છે. ક્રાઈમ ડિટેકશનમાં તેમની મહારત છે. તેઓ ડીએસપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે  કેટલાંક પોલીસ એન્કાઉન્ટર કેસમાં તેમનું નામ ઉછળ્યું હતું. જો કે તે કિસ્સામાં કોઈ કાર્યવાહી થઈ ન્હોતી, તેઓ અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર હતા ત્યારે તેમના તાબામાં રહેલા એક આરોપીઓનું શંકાસ્પદ મોત પણ થયું હતું. જે મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુકત ખાસ તપાસ દળ દ્વારા તપાસ થઈ ગઈ છે અને જેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપાઈ ગયો છે. એક કસ્ટોડીયલ ટોચરનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે.

જો કે હાલમાં તેમને પોલીસ કમિશનર થતાં અટકાવી શકે તેવી કોઈ તપાસ તેમની સામે પડતર નથી. અમદાવાદના ડીસીપી તરીકે તેમજ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે તેઓ ફરજ બજાવી ચુકયા છે. જેના કારણે અમદાવાદના માહોલ અને અમદાવાદના ગુનેગારોથી સારી રીતે વાકેફ છે. 2008માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ઉકેલવાનું શ્રેય પણ તેમને જાય છે. હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા 2020માં નિવૃત્ત થાય ત્યારે પણ તેમના સ્થાને ગુજરાતના મુખ્ય ડીજીપી તરીકે આશિષ ભાટિયાનો ક્રમ આવશે પણ તે પહેલા રાજ્ય સરકાર તેમને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પણ જવાબદારી સોંપવા માગે છે.