હિતેશ ચાવડા, ગાંધીનગર: મેરાન્યુઝ ધ્વારા ગુજરાત સરકારના મુખ્ય સચિવ પાસે માહિતી અધિનિયમ-૨૦૦૫ હેઠળ માહિતી માંગી હતી જેમાં સરકારના બે મુખ્ય વિભાગો ધ્વારા વિસંગત માહિતી આપવામાં આવી છે જે સરકારની પારદર્શિતા અને માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫નો છેદ ઉડાવે છે.

માંગેલ માહિતીમાં (૧) ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં કાર્યરત ગુજરાત કેડર અને પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા IAS-IPS અધિકારીઓના નામ, પોસ્ટીંગ અને સંખ્યા વિશેની માહિતી, (૨)ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં કાર્યરત IAS-IPS અધિકારીઓમાંથી વર્ષ ૨૦૧૩ થી વર્ષ ૨૦૧૮ સુધી વિદેશ પ્રવાસે ગયેલા અધિકારીઓ વિષે માહિતી આપવી, જેમાં કેટલા અધિકારીઓ સરકારની પરમીશન લીધી હતી તેની માહિતી અને (૩) ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં કાર્યરત IAS-IPS અધિકારીઓની સરકારના નિયમો પ્રમાણે જાહેર કરવામાં આવેલી મિલકતોની આંકડાકીય માહિતી માંગવામાં આવી હતી.

આ મુદ્દે માહિતીમાં, IAS કેડર માટે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) ધ્વારા આપવામાં આવેલ માહિતી અને IPS કેડર માટે ગુજરાત સરકારના ગુહ વિભાગ (HOME DEPT.) ધ્વારા આપવામાં આવેલ માહિતીમાં વિસંગત જવાબ આપવામાં આવ્યા છે.

જેમાં મુદ્દા નંબર (૧) ગુજરાત સરકારમાં કાર્યરત IAS-IPS અધિકારીઓના નામ, પોસ્ટીંગ અને સંખ્યા વિષે  તો માહિતી આપવામાં આવી મુદ્દા નંબર (૨) ગુજરાત સરકારમાં કાર્યરત IAS-IPS અધિકારીઓના વિદેશ પ્રવાસે ગયેલા અધિકારીઓ વિષે માહિતી અને સરકાર ધ્વારા આપવામાં આવેલ પરમીશન મુદ્દે માહિતી માંગવામાં આવી હતી જેની માહિતી સામાન્ય વહીવટ વિભાગના જાહેર માહિતી અધિકારીએ માહિતી આપી કે “IAS અધિકારીઓની અંગત વિદેશ મુસાફરીને સબંધ છે તે અંગે જણાવવાનું થાય કે આવી માહિતીએ જાહેર ગતિવિધિ અથવા જાહેર  જાહેર હિત સાથે કોઈ પણ પ્રકારનું સબંધ ધરાવતી નથી, આ પ્રકારની માહિતી અંગે નામ. સર્વોચ્ય અદાલતે ગીરીશચંદ્ર દેશપાંડે વિ. કેન્દ્રીય માહિતી આયોગ SLP -no.27732 of 2012 ના ચુકાદાને ટાંકતી માહિતી આપી હતી અને એમ જણાવ્યું હતું કે IAS અધિકારીઓની ઓફીશીયલ વિદેશ મુસાફરીને સબંધ છે તે અંગે જણાવવાનું કે અધિકારીઓની વિદેશ મુસાફરીની ફાઈલ અધિકારી જે વિભાગના વહીવટી નિયંત્રણ હસ્તક ફરજ બજાવતાં હોય, તે વિભાગ દ્વારા અત્રે રાજ્ય કરવામાં આવે છે. આથી, જે ચોક્કસ હોદ્દા પર નીમાયેલા અધિકારી / અધિકારીઓની માહિતી મેળવવા ઇચ્છતા હોય તેને સંબધિત સચિવાલયના વહીવટી વિભાગ/વિભાગોના જાહેર માહિતી અધિકારીઓને અલયાદી અરજી કરવી.” આ મુદ્દે ગૃહ વિભાગ ધ્વારા Special leave petition (civil) no.27734 of 2012 (@cc 14781/2012) Girish Ramchandra Deshpande.. petitioner Versus Central Information commission & others… respondentsઅનુસાર અંગત માહિતી હોઈ આપી શકાય નહી એવું જણાવ્યું છે.

જયારે , મુદ્દા નંબર (૩ )માં અધિકારીઓની  સરકારના નિયમો પ્રમાણે જાહેર કરવામાં આવેલી મિલકતો વિષેની માહિતીમાં સામાન્ય વહીવટ વિભાગના જાહેર માહિતી અધિકારીએ જણાવ્યું કે IAS અધિકારીઓની નિયમો પ્રમાણે જાહેર કરવામાં આવેલી મિલકતોની માહિતી એ જાહેર ગતિવિધિ અથવા જાહેર હિત સાથે કોઈપણ પ્રકારનું સબંધ ધરાવતી નથી આ પ્રકારની માહિતી અંગેનામ. સર્વોચ્ય અદાલતે ગીરીશચંદ્ર દેશપાંડે વિ. કેન્દ્રીય માહિતી આયોગ SLP -no.27732 of 2012 ના ચુકાદાના આધારે આ બાબત માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ- ૮(૧) ઠ મુજબની છે. આથી કોઈ પણ માહિતી પૂરી પાડવામાં આવતી નથી. જયારે આ જ મુદ્દે ગૃહ વિભાગના જાહેર માહિતી અધિકારીએ IPS અધિકારીઓ સરકારના નિયમો પ્રમાણે જાહેર કરવામાં આવેલી મિલકતો વિષેની માહિતી ભારત સરકારના ગૃહ વિભાગની વેબ લીંક ઉપર માહિતી ઉપલબ્ધ છે તેવું જણાવ્યું છે આપે છે.

આ બન્ને માહિતી એક સરખી હોવા છતાં, ગુજરાત સરકારના જ બે ટોચના વિભાગો એવા સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને વિસંગત જવાબ આપવામાં આવે છે જે માહિતી અધિનયમ-૨૦૦૫ મુજબ, નાગરિકને આપવામાં આવેલ માહિતીનો અધિકાર અને સરકારના પારદર્શક વહીવટ સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે.

આ મુદ્દે સીનીયર અડવોકેટ રાકેશ રાવે જણાવ્યું કે RTI નો કાયદો મૂળભૂત રીતે વ્યવસ્થા તંત્રમાં પારદર્શિતા જળવાય તે માટે છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં દેશનો નાગરિક એ સર્વોચ્ય સ્થાને છે તેથી તેને વ્યવસ્થા તંત્રની માહિતી મેળવવાનો તમામ અધિકાર છે તેથી તેમાં નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો મનસ્વી અર્થઘટન કરીને માહિતી આપવાનો ઇનકાર કરવો એ કાયદાના ગળું દબાવવા બરાબર છે. પર્સનલ માહિતીમાં આ અરજીના મુદ્દામાં માંગેલી માહિતીનો સમાવેશ ન થાય, કારણ જે ખર્ચ અધિકારીઓ કરે છે તે સરકારની તિજોરીમાંથી કરે છે અને આ પૈસાનો માલિક છે અને તે જાહેર હિત સાથે જોડાયેલી હકીકત છે. ટેકનીકાલીટીમાં પડ્યા વગર તે દેશનો નાગરિક છે તેથી સરકારી નોકર માલિકના પૈસા ક્યાં અને કેવી રીતે વાપરે છે તેનો હિસાબ લેવાનો તેને હક છે. આ કાયદાનો મૂળભૂત ઉદેશ તંત્રમાં પારદર્શિતા લાવવાનો છે તે હકીકત જવાબ આપનાર અધિકારીએ ધ્યાનમાં રાખવી જોઈએ.