મેરાન્યૂઝ નેટવર્ક.સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની 32 વર્ષિય યુવા ડેન્ટીસ્ટ મીસીંગ હતી જેની લાશ એક સૂટકેસમાં બંધ મળી આવી છે. આ ડેન્ટીસ્ટની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સિડનીના એક રસ્તા પર પાર્ક કરેલી કારમાંથી તેણીનો મૃતદેહ સૂટકેસમાં બંધ કરાયેલી હાલતમાં મળી આવ્યો છે. આ યુવતીનું નામ પ્રીથિ રેડ્ડી હતી અને તે ગ્લેનબ્રૂક ડેન્ટલ સર્જરીમાં ડેન્ટીસ્ટ તરીકે કામ કરતી હતી.

પ્રીથિ થોડા દિવસ અગાઉ રવિવારના રોજ ગુમ થઈ ગઈ હતી. ગુમ થયાના થોડા સમય પહેલા તેણીએ તેના માતા પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે ઘરે આવી રહી છે. પ્રીથિ જ્યારે ગુમ થઈ ગઈ ત્યારે ઓસ્ટ્રેલિયન પોલીસે તેણીની તસવીર અને કારની તસવીર સોસ્યલ મીડિયામાં ફેલાવી હતી અને તેની જાણકારી મળે તો પોલીસની મદદ કરવાની અપીલ કરી હતી.

જોકે મંગળવારની રાત્રે 9 વાગ્યાના અરસામાં કિંગ્સ ફોર્ડ ખાતે પાર્ક કરવામાં આવેલી એક કાર પોલીસની નજરે પડી હતી. જેની તપાસ કરતાં તેમાં એક સૂટકેસ મળી આવી હતી. સૂટકેસને ખોલતાં જ તેમાંથી પ્રીથિનો મૃતદેહ મળ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે 32 વર્ષીય પ્રીથિ રેડ્ડીને છેલ્લે રવિવારે જ્યોર્જ સ્ટ્રીટ ખાતે મેકડોનાલ્ડની અંદર જોવામાં આવી હતી. પ્રીથિ રાત્રે સવા બે વાગ્યે મેકડોનાલ્ડ અંદર ફૂડ લઈને કોઈની રાહ જોઈને બેઠી હતી. ન્યૂ સાઉથ વેલ્સ(NSW) પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રેડ્ડીને શોધવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

જ્યારે તે ગુમ થઈ ત્યારે ગ્લેનબ્રૂક ડેન્ટલ સર્જરીના ડેન્ટલ આસિસટન્ટ ચેલ્સિયા હોલ્મસે જણાવ્યું હતું કે, "અમને સોમવારે તેણી દવાખાનામાં આવી છે કે નહીં તે અંગેની પૂછપરછનો ફોન આવ્યો હતો. આ ફોનકોલ બાદ અમે કોઈ પણ સુઈ શક્યા નથી. મેં અંતે ગુરુવારે તેણી સાથે વાતચીત કરી હતી. એ સમયે તેણી એકદમ સ્વસ્થ લાગી રહી હતી. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેણી સલામત મળી જાય."
જોકે, અંતે ડો. રેડ્ડીનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલના આખો સ્ટાફ દુઃખી છે. હોસ્પિટલ તરફથી ડો. રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ તેના ફેસબુક એકાઉન્ટ પર મૂકવામાં આવી છે.