મેરાન્યૂઝ નેટવર્ક, પોરબંદર: શહેરના ઉદ્યોગનગરમાં ભારતીય નૌકાદળનું પેટ્રોલિંગ કરતું ઓટોમેટિક રિમોટ પાઇલોટથી ચાલતું ડ્રોન ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ડ્રોન ટેક ઓફ કરતી વખતે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીના મેદાનમાં ક્રેશ થઇ ખાબક્યું હતું. ક્રેશ થતા જ ડ્રોનમાં ભીષણ આગ લાગી હતી અને ડ્રોન આગમાં સળગીને ખાખ થઇ ગયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ, નેવી સહિત ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. આ બનાવ અંગે ઈન્ડિયન નેવીના પીઆરઓએ જણાવ્યું હતું કે, રિમોટ પાઇલોટથી ચાલતું એરક્રાફ્ટ (RPA) એરબેઝની પાસે સવારે 10 વાગ્યે ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું હતું. પ્રાથમિક તપાસમાં આ ડ્રોનમાં યાંત્રિક ખામીને કારણે એન્જીન ફેઈલ થઇ જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાઇ રહ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. ક્રેશ થતા જ લાગેલી આગ પર ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં કાબુ મેળવી લીધો હતો.