મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદ: પાટણમાં દલિતોના જમીનના મુદ્દે આત્મવિલોપન કરનાર ભાનુભાઈની ઘટના પછી હવે આત્મવિલોપન કરવાની ધમકી આપનારનો રાફડો ફાટયો છે, હવે પોતાની સામાન્ય સમસ્યા માટે પણ હવે દરેક જિલ્લામાં પોલીસ અને કલેટકર ઓફિસને રોજની પચાસ કરતા વધુ અરજી આત્મવિલોપન કરવા માટેની મંજુરી માગતી આવે છે, જેના કારણે રોજ કલેકટર ઓફિસ અને તંત્ર આત્મવિલોપન કરનારને શોધવામાં અને રોકવામાં લાગી જાય છે.

ગુજરાતના તમામ જિલ્લાઓની આવી સ્થિતિ છે, પણ સૌથી વધુ આત્મવિલોપન કરવાની અરજી મહેસાણા અને પાટણ જિલ્લામાં આવી રહી છે. મહેસાણાના પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમને રોજની પચાસ કરતા વધુ અરજીઓ આ પ્રકારની મળી રહી છે, આ તમામ અરજીમાં સરકારને કોઈ સંબંધ ના હોય તો પણ લોકો આત્મવિલોપનની ધમકી આપી પોતાના ધાર્યા કામ તંત્ર પાસે કરાવી જાય છે, પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ડીએસપી ઓફિસને એક અરજી મળી તેમાં ફરિયાદ કરનારની નારાજગી હતી કે તેના પડોશીએ તેના ઘરની બહાર સંડાસ બનાવ્યું છે જેના કારણે તે આત્મવિલોપન કરવા માગે છે. જો કે ફરિયાદ કરનારે આ અંગે સ્થાનિક તંત્રને ફરિયાદ કરવાને બદલે આ ઘટના માટે પોલીસને જવાબદાર ગણાવી હતી.

એક ફરિયાદીએ આત્મવિલોપનની એટલા માટે ધમકી આપી કે તેમના ઘરના પાણીના નળમાં પાણી આવતુ નથી, તેના કારણ તેમની પાસે આત્મવિલોપન કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. એક ફરિયાદીએ તો પોલીસને ધમકી આપી કે તેની પત્ની રીસાઈ સાસરે જતી રહી છે, જો પોલીસ તેને પરત ઘરે નહીં લાવે તો તે મહેસાણા કલેટકર ઓફિસ સામે આત્મવિલોપન કરશે. પોલીસને એક આવી અરજી મળી તેની સાથે પોલીસના દસ માણસો પહેલા તો અરજી કરનારને શોધવામાં દોડી જાય છે, પણ હવે લોકો શીખી ગયા છે કે અરજી કરી સંતાઈ જવાનું જેના કારણે તંત્ર વધુ દોડતુ થાય. જે દિવસે ધમકી આપનાર આત્મવિલોપન કરવા આવવાના હોય ત્યારે કલેકટર ઓફિસ બહાર પચાસ કરતા વધુ પોલીસને કલેકટર ઓફિસ મુકી દેવામાં આવે છે. આ ઉપરાંત મામલતદાર, મેજીસ્ટ્રેટ અને ફાયર બ્રીગેડ સહિત એમ્બુલન્સને પણ હાજર રાખવામાં આવે છે.

આમ 200 કરતા વધુ સરકારી અધિકારીઓ આત્મવિપોલન કરનારને રોકવા માટે આવી જાય છે. ત્યાર બાદ પેલી વ્યકિત કલેકટર ઓફિસ આવે એટલે તેને પકડી લેવામાં આવે છે, પણ કાયદામાં આવી વ્યકિત સામે ગુનો નોંધવાની કોઈ જોગવાઈ નહીં હોવાને કારણે ક્રિમીનલ પ્રોસીઝર કોડ 151 પ્રમાણે અટકાયતી પગલા લઈ છોડી મુકવામાં આવે છે.