મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ આંદોલન કરનાર હાર્દિક પટેલ દ્વારા પારણાં કરવાના કરાયેલા નિર્ણયને રાજ્ય સરકાર તરફથી આવકારતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, લાલજી પટેલ સહીત કોઈપણ સંસ્થાઓ ચર્ચા કરવા માટે આ સરકારના દ્વાર ખુલ્લા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાર્દિકે પાટીદાર સંસ્થાના નેતાઓના આગ્રહ છતાં જળ-અન્ન ગ્રહણ કર્યું નહતું. પરંતુ રાજ્ય બહારના નેતાના હસ્તે જળગ્રહણ કરતા લાગણી દુભાઈ હતી.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, હાર્દિક પટેલે મોડા મોડા પણ પારણાં કરવાના કરેલા નિર્ણયને આવકારીએ છીએ. આ સારી બાબત હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, આ નિર્ણય વહેલો કરવો જોઈતો હતો. હાર્દિક પટેલના આ નિર્ણયની જાણ અમને આજે મળેલી મંત્રીમંડળની મીટિંગમાં થઈ હતી.

તેમણે શરદ યાદવ પર પ્રહારો કરતા કહ્યું કે, આ અગાઉ પાટીદાર સંસથાઓના આગેવાનો તેમજ ખોડલધામના નરેશ પટેલ વગેરેએ પારણાં કરવા આગ્રહ કર્યો હતો પરંતુ રાજ્યમાં જે પક્ષનો કોઈ પાયો નથી તેવા રાજ્ય બહારના નેતાના હસ્તે પાણી પીતા સમાજની લાગણી દુભાઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે ઘણું કામ કર્યું છે અને રાજ્યના કોઈપણ નાગરિક કે સંસ્થાઓ માટે ચર્ચા કરવા રાજ્ય સરકાર તૈયાર છે.

પાટીદાર અનામત સહીત ખેડૂતોના પ્રશ્ને લાલજી પટેલે આપેલા અલ્ટીમેટમ અંગે નીતિન પટેલે જણાવ્યું કે, લાલજી પટેલની રજૂઆત અંગે તેઓ આવશે તો સરકાર વાતચીત કરવા તૈયાર છે. આ સાથે નીતિન પટેલે જણાવ્યું કે, અમારી પાસે રાજ્યનો કોઈ પણ સમાજ પોતાની માંગણી કે મળવા આવે તો અમે તેમને સમય આપીએ છીએ. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજા ક્યાંય અશાંતિ થાય તેવું ઈચ્છતી નથી.