મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી શનિવારે પરેશ ગજેરાએ પોતાનું રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ પરેશ ગજેરા આગામી 20 તારીખે પ્રધાનમંત્રીની હાજરીમાં જ ભાજપમાં જોડાનાર હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ આ અંગે પરેશ ગજેરાએ કહ્યું હતું કે, હાલ જે વાતો ફેલાઈ રહી છે તે માત્ર અફવા છે. મે ભાજપ કે અન્ય કોઈપણ પક્ષમાં જોડાવાનો કોઈ નિર્ણય કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ કુંવરજી સહિતનાઓએ પણ નનૈયા ભણ્યા બાદ પણ ભાજપનો ભગવો પહેરી ચુક્યા છે. ત્યારે પરેશ ગજેરાના પ્રકરણમાં શું થાય છે તે જોવું રહ્યું.

ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં જ આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત કુંવરજી બાવળિયાને પોતાની પડખે લઇ કોળી મતોને નિશાન બનાવ્યા છે. બાદમાં શનિવારે જ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. જેમાં ક્ષત્રિય મતોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ છે.  ત્યારે સૌથી મોટી એવી પાટીદાર વોટ બેંક માટે ભાજપ પરેશ ગજેરાને કોઇ સારી ઓફર આપે અને તે પણ ભાજપમાં જોડાય તો ભાજપની હેટ્રિક નિશ્ચિત છે.