મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાતમાં પાટીદાર આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણીયાની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે કોર્ટની સુનાવણીમાં ગેરહાજર રહેલા દિનેશ બાંભણીયા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવાની સેસન્સ કોર્ટે કરેલી માંગણી સરકારે માન્ય રાખતા દિનેશ બાંભણીયાની ધરપકડ કરવાનો પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેણે બિનજામીનપાત્ર વોરંટ રદ કરવાની અરજી કરતા કોર્ટે તે માન્ય રાખી હતી.

અમદાવાદ ખાતે પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાની પોલીસે અટકાયત કરી તેમને શાહીબાગ લઇ ગઈ હતી. ત્યારબાદ તેને સેસન્સ કોર્ટમાં રજુ કરવામાં આવતા તેણે બિનજામીનપાત્ર વોરંટ રદ કરવાની અરજી કરી હતી. જે કોર્ટ દ્વારા મંજુર રાખવામાં આવી હતી. રાજદ્રોહના કેસની સુનાવણીમાં હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ ગઈકાલે કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે આજે હાજર થયેલા દિનેશે રજૂઆત કરી હતી કે, તેનાં પિતાની તબિયત સારી નહીં હોવાથી તે કોર્ટમાં હાજર રહી શકે તેમ નહોતો.

રાજદ્રોહના આ કેસમાં પાસના ત્રણ આરોપી પૈકી એક આરોપી ગેરહાજર હોય છે. જેમાં દિનેશ બાંભણીયા મોટાભાગે ગેરહાજર રહેતા કોર્ટમાં સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી. આ આરોપીઓની ગેરહાજરીના કારણે તેમની સામે ચાર્જ ફ્રેમ કરવાની કામગીરીમાં ઘણા સમયથી વિલંબ થઇ રહ્યો છે. આથી આ કાર્યવાહી ઝડપી બનવવા માટે કોર્ટને તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવા કહ્યું હતું. જેમાં આગામી સુનાવણીમાં આ ત્રણેય આરોપીઓ હાજર રહે તો ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી હાથ ધરી શકાય.