મેરાન્યૂઝ નેટવર્ક.મધ્યપ્રદેશઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અવારનવાર કોઈના કોઈ કારણ સર જાહેર પ્લેટફોર્મ પર આવી જ જાય છે. જોકે જાહેર જીવન સાથે સંકળાયેલ હાર્દિક પટેલ પોતાનું વિવેકી પણું ભુલતો જાય છે તેવું ઘણીવાર જોવા મળ્યું છે. મધ્યપ્રદેશના એક ટોલ બુથ પર તેણે સ્ટાફ સાથે રીતસર ઝપાઝપી થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે હાર્દિક પટેલને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક કાર્યક્રમ હતો ત્યાં હાજરી આપવા જવાનું હતું. જ્યાં હાર્દિક પટેલ અને તેના ડ્રાઈવરે ટોલ બુથ પર ટોલની રકમ ચુકવવા બાબતે બોલાચાલી કરી હતી. જે અંગેની માહિતી મુજબ ઈન્દોર-અમદાવાદ હાઈવે પર જૂનાપાની (દંત્તીગાંવ) ટોલનાકા પર હાર્દિકની માથાકૂટ થઈ હતી. ત્યાંના એક કર્મચારી સીતારામે જણાવ્યા પ્રમાણે હાર્દિકના ડ્રાઈવરે ટોલ આપવાની ના પાડી દીધી, હાર્દિકે રોફ જમાવતા એવું પણ કહ્યું કે, આ હાર્દિક પટેલની ગાડી છે, તેના પર ટોલ નથી લાગતો.

આ અંગે સીતારામે કાર્ડ માગતા ડ્રાઈવરે પણ તેની સાથે બોલાચાલી કરી દીધી હતી. દરમિયાન હાર્દિક ગાડીમાંથી ઉતર્યો અને ટોલ બુથના કર્મચારીઓ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. ત્યાર બાદ ગાડી આગડ ચલાવવામાં એક કર્મચારીના પગ પર કાર ચઢાવી દીધી હતી. આ બધું જ્યારે બની રહ્યું હતું ત્યારે, બનાવની જાણ થતાં રાજગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ અંગે પોલીસનો પણ એવો અહેવાલ મળી રહ્યો છે કે સીસીટીવી ફૂટેજના આધારે સધળી હકીકત શું બની તે જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે હજું સુધી હાર્દિક પર એવી કોઈ કાર્યવાહી થઈ નથી અને હાર્દિક પટેલે પણ આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી.