મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે અંત આવે તેવી જાહેરાત પાસના કન્વીનર મનોજ પનારા દ્વારા કરવામાં આવી છે. અનામત અને ખેડૂતોના મુદ્દે કરવામાં આવેલા આ ઉપવાસનો આજે અંત આવશે. ઉલ્લેખનીય છે કે આટલા દિવસોના હાર્દિક પટેલના ઉપવાસ અંગે સરકારે સીધી રીતે કોઈ મચક આપી ન હતી અને ઉપવાસ છાવણીની આસપાસ રાજકીય માહોલ પણ ઘણો ગરમાયો હતો. આજે બપોરે હાર્દિક પટેલ દ્વારા પોતાના આમરણાંત ઉપવાસને પારણા કરી પુર્ણ કરવામાં આવશે.
મનોજ પનારાએ કહ્યું કે, હાર્દિક પટેલને સમાજના તમામ આગેવાનોએ ભેગા થઈને સમાજની માગણી છે અને માગણી લઈને સંસ્થાના પ્રતિનિધિ તરીકે અમે આગ્રહ અને વિનંતિ કરીને પારણા કરી લેવા જોઈએ તે બાબતે સમજાવટ કરી હતી. તે પછી હાર્દિક પટેલે સમય માગીને આવતીકાલે વાત કરીશ તેમ જવાબ આપ્યો હતો.

આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તેમના તમામ કન્વીનર્સ અને મુખ્ય આંદોલન કારીઓનો સંપર્ક કરી પ્રસ્તાવ મુક્યો કે સમાજની વાત છે અને હાર્દિક પટેલને સમાજની જરૂર છે, હાર્દિક પટેલને ખેડૂતો અને ગરીબોની જરૂર છે, જ્યારે જ્યારે સરકાર તાનાશાહી કરશે ત્યારે હાર્દિક એક આશા છે. તેથી હાર્દિક પટેલ જીવવા જોઈએ અને અમારે અમારો જીવતો હાર્દિક જોઈએ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ચર્ચા બાદ તમામની સહમતિ સાથે હાર્દિક પટેલ આજે લોકો-સમાજ-ખેડૂતોના હિતમાં પારણા કરશે અને તે પારણા નિર્વિવાદીત ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, સાથે જ કેપી પટેલ, આરકે પટેલ, સી કે પટેલ, જેરામભાઈ વગેરે આગેવાનો આજે બપોરે ત્રણ વાગ્યે પારણા કરાવવા આવશે.