મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની આજે છાણીથી રેલી નિકળી સંગમ ચાર રસ્તા સભા સ્થળે પહોંચી હતી. જ્યાં તેણે મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કરવાના શરુ કરી દેતા કહ્યું, આપણને ખૂબ જ જૂઠ્ઠુ બોલનાર પ્રધાનમંત્રી મળ્યા છે, સાહેબના બધે જ સંબંધો નિકળી જાય છે, તો હું પણ આજે કહીશ મારે પણ વડોદરા સાથે જૂના સંબંધો છે. હાર્દિકે ભાજપ સરકાર અને વડાપ્રધાન પર આક્ષેપો કરતા કહ્યું, આ ભાજપે ગુજરાતમાં જે 22 વર્ષમાં વિકાસ કર્યો તે બતાવવાની જગ્યાએ 22 વર્ષના છોકરાની સીડીઓ બતાવવાની ફરજ પડી.

હાર્દિકની સંગમ ચાર રસ્તા ખાતેની સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. જો કે આંચારસહિત લાગુ પડવા માત્ર અડધો કલાક બાકી હોવાથી હાર્દિકે તેની વાત ખૂબજ ઓછા સમયમાં સરળતાથી કહીં દીધી. જેમાં હાર્દિકે સભાને સંબોધતા કહ્યું મારે પણ વડોદરા સાથે ખૂબ જૂનો સંબંધ છે. આવુ કહેવા પાછળ હાર્દિકે કારણ દર્શાવતા કહ્યું, આપડા સાહેબ જ્યાં જાય ત્યાં તેમના જૂના સંબંધ નિકળી જાય છે. આપણી કમનસીબી એ છે કે આપણને ખૂબ ખોટુ બોલનાર પ્રધાનમંત્રી મળ્યાં છે. ભાજપની સરકારે રોડ અને રસ્તા બનાવી દીધા, પરંતુ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે શું કર્યું ? વડોદરાવાસીઓ હવે બદલાવની જરૂર છે. આ ભાજપ સરકારને ખબર પાડવાની જરૂર છે.

જેની માટે માત્ર પાટીદાર સમાજ નહીં તમામ સમાજના લોકોએ ભેગા થઇ ભાજપને સબક શિખવાડવાનો સમય છે. આ સરકારે જીએસટી અને નોટબંધી કરી અનેક વેપારો બંધ કરાવી દીધા, વેપારીઓ પણ આગળ આવી ભાજપને સબક શીખવાડવાની જરૂર છે. જો 14મી તારીખ પછી કોઇ ભાજપ વાળો ધમકી આપે તો મારો નંબર આપી દેજો હું જોઇ લઇશ. તેમજ હાર્દિકે વડોદરાની પોલીસના વખાણ કરતા કહ્યું, વડોદરા પોલીસનો ખૂબ સારો સહકાર મળ્યો છે. તમે આવી જ રીતે અમને સહકાર આપતા રહો અને તમે અમારા આંદોલનમાં જોડાઇ જાવ.

હાર્દિક પટેલની આજની વડોદરા ખાતેની રેલી અને જાહેરસભામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા હાર્દિકનુ સ્વાગત કરવામાં આવ્યું હતુ. સાથે હાર્દિકની રેલીમાં મુસ્લિમ સમાજના યુવાનો પણ જોડાયા હતા. તેમજ સંગમ ચાર રસ્તા ખાતે હાર્દિક પટેલની સભામાં મોટી સંખ્યામાં મુસ્લિમો જોવા મળ્યાં હતા.