મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: આમરણાંત ઉપવાસ આંદોલનના આજે ૧૯માં દિવસે હાર્દિકે પટેલે આજે બપોરે સવા ત્રણ વાગે લીંબુ પાણી, નાળીયેર પાણી તેમજ સાદું પાણી પીને પારણાં કરતા સમગ્ર કેમ્પસ જય સરદાર, જય પાટીદારના જયઘોષથી ગુંજી ઉઠ્યુ હતું. આ સાથે હાર્દિક તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ, જય જવાન જય કિસાન, ભાજપ તેરી દાદાગીરી-તાનાશાહી નહિ ચલેગી..નહિ ચલેગી...ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાટીદાર સંસ્થાના આગેવાનો પ્રહલાદ પટેલ, નરેશ પટેલ અને સી.કે.પટેલના હસ્તે હાર્દિક પટેલે પારણાં કર્યા હતા.

હાર્દિક પટેલે પારણાં કરતા કહ્યું કે, એક મહિનાથી મંજુરી માંગવા છતાં મંજુરી ના મળી નહોતી. ત્યારે સમાજના કહેવાથી આ પારણાં કર્યા હોવાનું કહેતા તેણે ઉમેર્યું કે, સમાજની લાગણી હતી કે, જીવીશું તો લડીશું, લડીશું તો મેળવીશું. સમાજમાં નાના-મોટાની ખાઈ પુરવાનું આજે કામ થયું હોવાનું જણાવતા હાર્દિકે કહ્યું કે, સમાજના વડીલો સાથ આપે તે જરૂરી છે. સમાજના વડીલો સામે કોઈ વિરોધ નથી.વડીલોએ અમને માન, સન્માન અને મોભો આપ્યો છે. હાર્દિકે જણાવ્યું હતું કે, ૧૯-૧૯ દિવસ સુધી ન્યોછાવર થઇ ગયા, ઘણા ક્રાંતિવીર થયા તો ઘણા અંગ્રેજો થઇ ગયા. તેમણે કહ્યું કે, ખેતરો ખેડતા ખેડૂતો માટેની લડાઈ છે. આલીશાન બંગલામાં રગેતા લોકો માટે આ લડાઈ નથી. જેને સારા માર્કસ છતાં એડમીશન મળતું નથી તેમના માટે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ-કોંગ્રેસથી આપણને શું મતલબ..! આપણને આપણા અધિકારોથી કામ છે. હાર્દિકે પોતાના સમર્થનમાં ઉપવાસ સહીત વિવિધ કાર્યક્રમો કરનાર તેમજ રાજ્ય-દેશમાંથી મળવા આવનાર તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો. જય સરદાર..ના વારંવાર નારા લગાવી પોતાનું પ્રવચન પુરૂ કર્યું હતું.

આ પ્રસંગે અલ્પેશ કથીરિયાની મુક્તિ માટે સરકાર ઉપર જે પણ પ્રકારનું દબાણ કરવું પડે તે કરવા સાથે સારામાં સારા વકીલ રોકાવવા સહિતની કામગીરી કરવામાં આવશે.આ લડતમાં સહકાર આપનાર તમામ ધારાસભ્યોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.જેમાં હાર્દિક પટેલે કહ્યું કે, મને પણ જેલમાં મળવા આવનાર નેતાઓ ખુબ આશ્વાસન આપતા હતા પરંતુ ૯ મહિના જેલમાં રહ્યો..એટલે જે શક્ય હોય તે જ વડીલો કહે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

જયારે નરેશ પટેલે જણાવ્યું હતું કે, જુદા જુદા નેજા હેઠળ સંગઠન અને પાસને મજબુત બનવી આગામી સમયના પડકારોનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે,સંગઠિત રહો તે લોકોને ગમતું નથી ત્યારે કોઈ ભાગલા પડાવે નહિ તે જોજો. અલ્પેશ કથીરિયા જલ્દીમાં જલ્દી મુકત થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. ઉમિયા સંસ્થાના પ્રહલાદ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ સમાજના વિકાસ માટે સ્વમાન ના સચવાય તો સમજવું કે, સંગઠનનો અભાવ છે. તમે બે ટુકડાઓ આપી દેશો એટલે સંતોષ માની લઈશું એવું નથી.

સી.કે.પટેલે જણાવ્યું હતું કે, સમાજના યુવાનો ચિંતા કરતા હોવા સાથે સંસ્થાઓ ચિંતન કરતી હોય ત્યારે સમાજના હિત માટે આયોજનપૂર્વક કામ કરવા કહ્યું હતું. સમાજમાં ઘણા કુટુંબોની આર્થિક પરિસ્થિતિ દયનીય છે ત્યારે આપણા બધાની સંકલન શક્તિનો ઉપયોગ કરી ઉકેલ લાવવામાં આવશે.પાટીદાર સમાજ સૌ કોઈની ચિતા કરી સામાજિક સમરસતામાં માને છે. ગરીબ વ્યક્તિને કોઈ જ્ઞાતિ જ નથી. આપડી પાસે વિષય ખુબ જ છે પણ પહેલું સુખ તે જાતે નર્યા પ્રમાણે ૬ સંસ્થાઓએ એક થઇ હાર્દિક પટેલના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. તમામ ૬ સંસ્થાઓમાં ભાજ્પ અને કોંગ્રેસ ઉપરાંત કડવા, લેઉવા સમાજ હોવા છતાં અમે પાટીદાર છીએ.પાટીદારોની તાકાત તોડવા બહારથી અનેક પ્રયાસો થશે પરંતુ આપણે એક થઈને લડત આપવી પડશે.હાર્દિકની માંગણીઓ અંગે જ્યાં સુધી સરકાર સંભાળશે નહિ ત્યાં સુધી સરદાર જેવી તાકાતથી લડત આપવામાં આવશે.જેરામ બાપાએ કહ્યું કે, પાસના કાર્યકરો અને ૬ પાટીદાર ધાર્મિક સંસ્થાના સહકારથી આ કામ પર પડ્યું છે. તેમણે સંગઠન મજબુત બનાવવા જણાવી હાર્દિકને પારણાંનો નિર્ણય કરવા માટે અભિનંદન આપ્યા હતા.