મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને રહેવા માટે મળતા સરકારી આવાસના આકારમાં મોટા કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્યના પોલીસ બેડામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને પીએસઆઇને હવે બે રૂમના બદલે ત્રણ રૂમના મકાન મળશે. પોલીસ અને તેમના પરિવારની સવલતોમાં વધારો થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર પહેલા કોન્સ્ટેબલને મળતા મકાન 41.85 ચોરસ મીટરનાં હતા તે હવે વધારીને 2BHKનાં 50થી 55 ચોરસ મીટરના બનશે. જ્યારે પીએસઆઇને હાલમાં 55.46 ચોરસ મીટરના મકાન મળે છે તે હવે વધારીને 3BHKનાં 60થી 65 મીટરના કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના અમદાવાદ સહિતના શહેરોમાં હાલમાં પણ ઘણા પોલીસકર્મીઓ એવા છે જેઓના નામ સરકારી મકાન મેળવવામાં હાલમાં પણ વેઇટિંગમાં છે ત્યારે હવે જોવુ રહ્યું કે નવા મોટા આકારના મકાનો ક્યાં સુધીમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓને મળે છે. દિવસ-રાત લોકો અને નેતાઓની સુરક્ષા માટે ફરજ બજાવતા પોલીસકર્મીઓની રહેવાની સમસ્યા સરકારે ઝડપથી દૂર કરવી જોઈએ.