મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ ગુજરાત સરકારે હવે ગુજરાતના ખેડૂત પાસે વીજ ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે સૂર્ય શક્તિ કિસાન યોજનાની  જાહેરાત કરતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના માટે ભારત સરકાર 60 ટકા સબસીડી આપી રહી છે, આ યોજના હેઠળ ખેડૂતના ખેતરમાં સોલર પેનલો લાગશે. જેમાંથી ખેડૂત પોતાની જરૂરિયાત પ્રમાણેની વીજળીનો ઉપયોગ કરશે, જ્યારે બાકીની વીજળી ગુજરાત સરકાર પહેલા સાત વર્ષ સાત રૂપિયા પ્રતિ  યુનિટ ખરીદશે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલમાં  ખેડૂતને આઠ કલાક વીજળી મળે છે, પરંતુ આ યોજનાને કારણે ખેડૂતને 12 કલાક વીજળી  મળશે. ઉપરાંત વધારાની વીજળી વેચી આવક પણ મેળવશે. ખેડૂતે હાલમાં માત્ર પાંચ ટકા રકમ જ આપવાની છે. ખેડૂતને જે  હિસ્સો કાઢવાનો છે તે માટે સાત વર્ષ માટે ચાર ટકાની લોન આપશે.

આ  પાયલોટ પ્રોજેકટ છે જેમાં 12,400 ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. 33 જિલ્લામાં 137 ફીડર ઊભા કરવામાં આવ્યા છે જેમાં 175 મેગાવોટ વીજ ઉત્પાદન થવાનો અંદાજ છે. ગુજરાતની ચારે વીજ કંપની આ યોજનાની અમલી બનાવશે.