મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રાજ્યના કર્મચારીઓ ધ્વારા ગયા જાન્યુઆરીથી બાકી રહેલા ડીએમાં બે ટકાના વધારા સાથે કુલ ચાર ટકાના વધારાની સત્વરે જાહેરાત કરવા માંગણી કરવામાં આવી છે. આ અંગે ગુજરાતના નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં સાતમાં પગાર પંચનો કર્મચારીઓને સર્વપ્રથમ લાભ આપનાર ગુજરાત રાજ્ય છે. ત્યારે કેન્દ્રે જાહેર કરેલા ડીએમાં રાજ્ય સરકાર ધ્વારા તેની અનુકુળતાએ યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએ તેમજ કેન્દ્રીય પેન્શનરોના ડીઆરમાં ગઈકાલે બે ટકાનો વધારો કરવામાં આવતા ગુજરાતના કર્મીઓએ આ માંગ કરી છે.

કેન્દ્ર સરકાર ધ્વારા તેના કર્મચારીઓના ડીએમાં બે ટકાના કરાયેલા વધારાથી સરકાર પર વર્ષે ૬૧૧૨.૨૦ કરોડ અને પેન્શનરોના ડીઆરના વધારાથી રૂપિયા ૪૦૭૪.૮૦ કરોડનો બોજ વધશે. કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં મળતા સાત ટકા ડીએમાં બે ટકા વધારો થતાં હવે બેઝિક પગાર-પેન્શનમાં નવ ટકા ડીએ તરીકે મળશે.આ વધારાથી ૪૮.૪૧ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૨.૦૩ લાખ પેન્શનરને ફાયદો થશે.

સાતમા પગાર પંચે કરેલી ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર ડીએ-ડીઆરમાં વધારો કરવામાં આવતો હોય છે. જેમાં ૨૦૧૮ના વર્ષમાં કેન્દ્ર સરકાર ધ્વારા ગયા જાન્યુઆરીમાં બે ટકાના અપાયેલા વધારા બાદ આ જુલાઈ મહિનાથી ડીએમાં બીજી વખત બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જયારે ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને હજુ સુધી જાન્યુઆરી-૨૦૧૮થી મળવાપાત્ર બે ટકાનો વધારો અપાયો નથી. તેમાં કેન્દ્રએ હવે જુલાઈથી ફરી બે ટકાનો વધારો આપતા રાજ્યના કર્મચારીઓ માટે ચાર ટકા વધારો આપવાનો બાકી રહે છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને ફેડરેશન ધ્વારા જાન્યુઆરી-૧૮થી બે ટકા ડીએના વધારા માટે અનેકવાર માંગ કરી છે. છેલ્લે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ડીએ સહિતના પડતર પ્રશ્નો ઉકેલવામાં નહિ આવે તો ૧૨ સપ્ટેમ્બરથી આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ત્યારે રાજ્યના કર્મચારીઓ સાથે વિપક્ષ કોંગ્રેસ ધ્વારા પણ કુલ ચાર ટકા ડીએનો વધારો સત્વરે આપવા માંગણી કરવામાં આવી છે. તેની સામે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, સાતમાં પગાર પંચનો પ્રથમ લાભ આપનાર જ ગુજરાત રાજ્ય છે. જ્યારે ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓને ઘણા લાભો આપ્યા છે. જેમાં ડીએનો વધારો રાજ્ય સરકાર પોતાની અનુકુળતા પ્રમાણે આપતી જ હોય છે. આથી કેન્દ્રે આ જાહેર કરેલા ડીએના વધારા અંગે રાજ્ય સરકાર ધ્વારા યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે જ.