મેરાન્યૂઝ નેટવર્ક. ગોંડલ : પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા 7 દિવસથી પોતાના નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. જેના સમર્થનમાં રાજ્યમાં ઠેર-ઠેર પ્રતીક ઉપવાસ તેમજ રામધૂનના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગોંડલના વર્ધમાનગરની મહિલાઓએ અનોખો વિરોધ કર્યો હતો. જેમાં રામધૂન સાથે "જાગ રે મોદી જાગ..જાગ રે મોદી જાગ.. જાગરે તારી બેનું જગાડે જાગરે મોદી જાગ.. જાગ રે સરકાર જાગ..." ની ધૂન બોલાવી હતી. આ તકે પાટીદાર મહિલાઓએ માથા પર ‘જય સરદાર’ અને ‘જય પાટીદાર’ લખેલી ટોપીઓ પણ પહેરી હતી. 

આ ઉપરાંત પણ રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ તેમજ ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં ઠેર-ઠેર પાટીદારો દ્વારા પ્રતીક ઉપવાસ અને રામધૂન બોલાવવામાં આવી રહી છે અને 'પાસ' ના આગેવાનો ઉપરાંત કાર્યકરો સહિત સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે આજે ટ્વિટ કર્યું હતું કે, અન્ન-જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, જોઉ છું સરકાર જીતશે કે મહાત્મા" આ ટ્વિટ બાદ આજે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર હાર્દિકના સમર્થનમાં પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.