મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલઃ ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં પાંચ શખ્સોએ ગોડાઉન ભાડે રાખી જસદણ એક્સિસ બેન્ક પાસેથી અઢી કરોડની લોન લઈ જીરુંનો સ્ટોક કરી જીરુંનો જથ્થો ચોરી કરી બારોબાર વેચી નાખી દોઢ કરોડની બેંક સાથે ઠગાઈ કરતા એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સ્ટાર એગ્રી વેરહાઉસીંગ એન્ડ કોલટરોલ મેનેજમેન્ટ પ્રા. લી. ના એરીયા મેનેજર સુદેશ રમેશભાઈ શર્મા રાજકોટ દ્વારા કલ્પેશ જયંતીભાઈ વાઘસિયા રહે જસદણ, પ્રવીણ દલસુખભાઈ પંચાલ રહે સુરત, ભાવિન કૈલાશપરી ગોસાઈ તથા ભુપત કેસાભાઈ દેસાઈ અને તેનો પુત્ર ઋષિમ રહે સુરત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓએ અગાઉથી જ ગુનાહીત કાવતરુ કરી એક્સીસ બેંક માંથી રૂ. 2,49,56,252 ની લોન મેળવી અલગ-અલગ ખેડૂતોના નામે ગોંડલ તાલુકાના જામવાળી જીઆઇડીસી ખાતેના જેન્તીભાઈ ગોવિંદભાઈ સાટોડિયાના ગોડાઉનમાં જીરૂની ગુણીનો સ્ટોર કરવા માટે ભાડે રાખ્યો અને આરોપીઓએ સાંઠગાંઠ કરી ગોડાઉનમાં સારું જીરૂની ગુણીઓ રાખવાના બદલે તેમાં ભુસુ મિક્સ કરી જીરૂની ગુણીઓ રાખી બેન્ક તથા સ્ટાર એગ્રી કંપની સાથે રૂપિયા 1.39 કરોડની છેતરપિંડી કરી હતી.

વાડજ ચિભળા ગળે તેમ..... ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલ તમામ જીરું છે તેમ સાબિત કરવા એગ્રો કંપનીના કર્મચારી ભાવિન ગોસાઈએ સ્ટાર જવાબદારી નેવેમુકી તમામ કૌભાંડ જાણવા છતાં પણ કંપની સાથે વિશ્વાસઘાત કરી સારા જીરુંના સેમ્પલ આપી ગોંડલ લેબમાં ટેસ્ટીંગ કરાવી ખોટા સી આઇ એસ રિપોર્ટ તૈયાર કરી આ રિપોર્ટ ખોટા હોવાનું જાણવા છતા તે રિપોર્ટ મુંબઈ ખાતે આવેલ હેડ ઓફિસ મોકલી તેને ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સ્ટોક રીસીપ્ટ બનાવી લોનની રકમ મેળવવા એકબીજાને મદદ કરી હતી.

ઉપરોક્ત શખ્સો દ્વારા ગોડાઉનનું ભાડું ચૂકવવામાં ન આવતા ગોડાઉન માલિકે તાળુ મારી દેતા તેમાં રાખેલો માલ કાઢી લેવા કલ્પેશ વાઘસિયાએ તેના માણસો પાસે ગોડાઉનના તાળા તોડાવી તેમાં ગેરકાયદેસર પ્રવેશ કરી 400 ગુણી જીરુ કિંમત રૂપિયા 38.40 લાખની ચોરી કરાવી બારોબાર વેચી નાખેલ અને આ કામમાં એક બીજાને મદદ કરી ગુનો કર્યો હતો. પોલીસે આઈપીસી કલમ 406, 420, 409, 454,457 સહિતની કલમો નોંધી ગુનો દાખલ કરી વધુ તપાસ એલસીબીને સોંપી હતી.