મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગાયત્રીબા વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે. ગાયત્રીબા હાલ વોર્ડ નંબર-3ના કોંગ્રેસના કોર્પોરેટર છે. તેમજ અગાઉ તેઓ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા તરીકેની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે. પોતાની નિમણૂંક થયા બાદ મિડિયા સાથે કરેલી વાતચીતમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ મહિલા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે. એટલું જ નહીં મહિલાઓને સાથે રાખી ઘરે-ઘરે પહોંચીને તેમના પ્રશ્નોને વાચા આપવાના સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.

હાલ મહિલાઓ તેમજ યુવતિઓ પોતાને અસલામત હોવાનું કહી તેમણે સ્ત્રી સશક્તિકરણ મામલે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોંઘવારી મામલે પણ મહિલા કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણી સંદર્ભે મહિલા સંગઠનને વધુ મજબૂત કરી કોંગ્રેસને મજબૂત બનાવવામાં આવશે. આ પ્રસંગે સાંજે 7 વાગ્યે મહિલા કોંગ્રેસ સમિતી દ્વારા તેમને શુભેચ્છા પાઠવવા ખાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.